નિર્ણય:3 પંપિંગ સ્ટેશનના મેન્ટેનન્સના કામમાં નિષ્કાળજી બદલ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરણી, કલાલી અને છાણી પંપિંગ સ્ટેશનમાં નિષ્કાળજી દાખવી
  • ​​​​​​​કોન્ટ્રાક્ટરે તરસાલીનું ટેન્ડર ભર્યું, સ્થાયીનો રિટેન્ડરિંગનો નિર્ણય

શહેરના હરણી, કલાલી અને છાણી વિસ્તારોમાં આવેલા પમ્પીંગ સ્ટેશનનું મેન્ટેનન્સ કરતા કોન્ટ્રાક્ટર મે. શ્રી સાંઈનાથ એન્ટરપ્રાઇઝે નિષ્કાળજી દાખવતા તેને નોટિસો આપવામાં આવી છે. ત્યારે તરસાલી બીએસયુપી એપીએસના ત્રણ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે પણ તેને ટેન્ડર આપવાની આવેલી દરખાસ્તને નામંજૂર કરી ફરીથી ટેન્ડરિંગ કરવાનો નિર્ણય સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી દેવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.

તાજેતરમાં તરસાલી બીએસયુપી પમ્પિંગ સ્ટેશનના 3 વર્ષ માટેના ઓપરેશન અને મેન્ટેનન્સ માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મૂકાઈ હતી. જેમાં કોન્ટ્રાક્ટર મેસર્સ શ્રી સાઈનાથ એન્ટરપ્રાઇઝે 2.47 ટકા વધુનું ભાવ ભરી કામ કરવા તૈયારી બતાવી હતી. શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા દરમિયાન સભ્યોના ધ્યાનમાં આવ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટર હરણી, છાણી અને કલાલી ખાતે પંપિંગ સ્ટેશનનું ઓપરેશન અને મેન્ટેનન્સ કરે છે, પરંતુ ત્યાં એની ઘણી નિષ્કાળજી સામે આવી છે.

જેમાં છાણી અને કલાલીમાં એકી સાથે પંપ બંધ થઈ જવા તેમજ 4 દિવસ અગાઉ હરણી પંપીંગ સ્ટેશન ખાતે પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું. કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી બદલ તેને નોટિસ આપવા સાથે બ્લેકલિસ્ટ કરવાની પણ કાર્યવાહી ચાલી રહી છે. તેવામાં તેને આ કામ આપવું યોગ્ય નથી. આથી, સ્થાયી સમિતિએ નવેસરથી ભાવપત્ર મગાવવા માટેનો નિર્ણય લીધો છે. નોંધનિય છે કે, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવવાના નિર્ણયને પગલે કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

હરણી પમ્પિંગ સ્ટેશને બે પંપ સાથે બંધ થયા હતા
છાણી પંપિંગ સ્ટેશનનો ઓપરેશન અને મેન્ટેનન્સ માટેનો કોન્ટ્રાક્ટ મેળવનાર મેસર્સ શ્રી સાઈનાથ એન્ટરપ્રાઇઝે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કાળજી નહીં લેતા પંપ બંધ થયા હતા અને તેના કારણે વિસ્તારના અનેક લોકોના ઘરમાં ડ્રેનેજના પાણી ઉભરાયા હતા. આ અંગે વોર્ડના કાઉન્સિલરોએ તંત્રનું ધ્યાન દોરતા તેઓએ કોન્ટ્રાક્ટરને નિષ્કાળથી બદલ નોટિસ આપી કાર્યવાહી શરૂ કરી છે. તેવામાં 4 દિવસ અગાઉ હરણી પંપિંગ સ્ટેશન પર પણ બે પંપ એકી સાથે બંધ થયા હતા.