કોરોના વડોદરા LIVE:છેલ્લા 5 દિવસમાં કોરોનાના રોજ 3 કેસ, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 15 થઇ, બાપોદમાં કોલેરાના 2 કેસ નોંધાતા તંત્ર દોડતુ થયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શનિવારે ડેન્ગ્યુના લેવામાં આવેલા 151 નમુના પૈકી 33 કેસ પોઝિટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,040 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,402 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

સતત 5 દિવસથી રોજ કોરોનાના 3 પોઝિટિવ કેસ
વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના દર્દીઓ બંધ થવાનું નામ નથી લઇ રહ્યા. સતત ત્રણ મહિનાથી 3થી 5 નવા કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે. 14મી સપ્ટેમ્બર મંગળવારે કોરોનાના નવા 3 દર્દીઓ આવ્યા બાદ 18મી તારીખે સતત પાંચમા દિવસે પણ 3 નવા દર્દીઓ આવ્યા હતા. વડોદરા શહેરના છાણી, આજવા રોડ અને ભાયલીમાં નવા દર્દીઓ નોંધાયા હતા. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 1 દર્દી જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 15 રહી છે, જે પૈકી માત્ર 1 જ દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત 39 દર્દીઓ ક્વોરન્ટાઇન છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ દક્ષિણ ઝોનમાં નોંધાયા છે.

શનિવારે 15,725 લોકોએ રસી મુકાવી
આરોગ્ય વિભાગ દ્વારા શુક્રવારે મોડી રાત સુધી રસીકરણ ચાલુ રાખ્યા બાદ પણ શનિવારનું રસીકરણ 60 સેન્ટરો પર યથાવત્ રાખ્યું હતું, જેને પગલે 15,725 લોકોએ રસી મૂકાવી હતી. જેમાં બીજો ડોઝ લેનારની સંખ્યા 14,149, જ્યારે પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 1576 નોંધાઇ હતી.

બાપોદમાં કોલેરાના બે કેસ, ડેન્ગ્યુના વધુ 33 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા હવે મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. સાથે શહેરમાં બાપોદ વિસ્તારમાં કોલેરાના બે કેસ નોંધાતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. શહેરમાં શનિવારે ડેન્ગ્યુના લેવામાં આવેલા 151 નમુના પૈકી 33 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના 37 નમૂનાઓમાંથી 18 દર્દીઓમાં ચિકનગુનિયાના લક્ષણો જણાયા છે. પાલિકાની વિવિધ ટીમો દ્વારા 19,937 ઘરોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 7,222 ઘરમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.

પાણીજન્ય રોગચાળાએ પણ માઝા મૂકી
બીજી તરફ 229 લોકોને તાવ આવતો હોવાનું નિદાન થયું છે. અત્યાર સુધી શહેરમાં 1125 જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે. જ્યારે ચિકનગુનિયાના પણ 605 જેટલા કેસો પાલિકાના ચોપડે નોંધાયેલા છે. મચ્છરજન્ય રોગની સાથે શહેરમાં પાણીજન્ય રોગચાળાએ પણ માઝા મૂકી છે. પાલિકાની વિવિધ ટીમોએ સોમવારે 17,706 જેટલા મકાનોનો સર્વે કર્યો હતો. જેમાં 96 જેટલા કેસોમાં ઝાડા-ઉલ્ટી તેમજ 165 લોકોને તાવની બીમારી હોવાનું ચોપડે નોંધાયું છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,769 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,040 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9676 પશ્ચિમ ઝોનમાં 11,977, ઉત્તર ઝોનમાં 11,787, દક્ષિણ ઝોનમાં 11,795, વડોદરા ગ્રામ્યમાં 26,769 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

શનિવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ છાણી રોડ, આજવા રોડ

ગ્રામ્યઃ ભાયલી

અન્ય સમાચારો પણ છે...