મકરપુરામાં બકરો લઇ પસાર થઇ રહેલા યુવક પર સામાન્ય બાબતમાં ચારથી પાંચ યુવાનોએ હુમલો કર્યો હતો. જેના પગલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનામાં એક રાજકીય નેતાની દરમિયાનગીરીથી પોલીસે કલમો બદલી હોવાની રજૂઆત આજે એસીપી સમક્ષ કરવામાં આવી છે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી મરાઠીની ચાલીમાં રહેતો 23 વર્ષિય સમીર ઐયાસભાઇ પઠાણ તેનો બકરો લઈ પસાર થઈ રહ્યો હતો. તે સમયે ત્યાંથી ટુ વ્હીલર વાહન પર પસાર થઈ રહેલા પશુપાલકને વાહન ધીમે ચલાવવા જણાવ્યા બાદ થયેલી તકરારથી મામલો બીચક્યો હતો. બાઇક સવાર યુવાને ઝઘડા અંગેની જાણ તેના મિત્રોને કરતાં ચારથી પાંચ યુવાનો બે ગાડીમાં મારક હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. અને સમીર પઠાણને કુંડાળુ કરી લાકડીના ફટકા માર્યા હતા.
આ અંગે સમીર પઠાણે જણાવ્યું કે, મેં માત્ર બાઇક ધીરે ચલાવવા બાબતે જણાવતાં બાઇક ચાલકે તેના સાગરીતોને બોલાવી લીધા હતા. અને બે કારમાં ધસી આવેલા ચારથી પાંચ લોકોએ મને લાકડીના ફટકા મારી ઇજા પહોંચાડી હતી અને મારા ત્રણ દાંત તોડી નાંખ્યા હતા. આ બનાવ અંગે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપવા ગયો હતો. જોકે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી. આખરે પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સમીર પઠાણે મારા પર હુમલો કર્યાની ઘટનાનો વીડિયો વાઇરલ થયો હોવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી ન હોવાનો પણ તેને આક્ષેપ મૂક્યો હતો. તેને આ હુમલાખોરો ભરવાડો હોવાનું જણાવ્યું હતું. અને આરોપ લગાવ્યો હતો કે રાજકીય નેતા અલ્પેશ લિંબચિયા પોલીસ મથકે આવ્યા બાદ અગાઉ દવાખાના વર્ધીમાં લખેલી ગંભીર ગુનાની કલમ બદલી નાખવામાં આવી હતી. જેના પુરાવા રૂપે બંને દવાખાના વર્ધી પણ રજૂ કરી આરોપ લગાવ્યો હતો.
હું સમજાવટ માટે ગયો હતો : લીંબચિયા
પાલિકામાં શાસક પક્ષ નેતા અલ્પેશ લીંબચિયાએ જણાવ્યું કે, વોર્ડના યુવા મોરચાના પૂર્વ મહામંત્રીના ભાઈનો ઝઘડો થયો અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાની જાણકારી મળતાં હું સમજાવટ માટે પોલીસ મથકે ગયો હતો. પોલીસ કાર્યવાહીમાં કોઈ દખલ કરી નથી. મારી રાજકીય છબી ખરડાય એ માટે કોઈની દોરવણીથી મારી ઉપર ખોટા આરોપ લગાવાઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.