જન્માષ્ટમીએ અનરાધાર:વડોદરામાં મધરાતે કડાકાભડાકા સાથે 1 કલાકમાં સાડાત્રણ ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર, સોલરમીટર પર વીજળી પડતાં બળીને ખાખ

વડોદરા2 મહિનો પહેલા
રસ્તા પર પાણી ભરાયા.
  • અસહ્ય ઉકળાટ બાદ વરસેલા વરસાદથી શહેર-જિલ્લાવાસીઓએ રાહત અનુભવી
  • મધરાત્રે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ભારે વરસાદ ખાબક્યો હતો

વડોદરામાં શ્રાવણના સરવડા અને ભાદરવો ભરપૂરના એંધાણ આપતા મેઘરાજા મોડી રાત્રે શહેરમાં મન મૂકીને વરસ્યા હતા. કૃષ્ણ જન્મોત્સવની પૂર્વ રાત્રે પ્રચંડ ગાજવીજ સાથે એક કલાકમાં સાડા ત્રણ ઇંચ (88 મિ.મિ.) ઉપરાંત વરસાદ વરસ્યો હતો. અમીતનગર શિવાશિષ સોસાયટીના એક મકાન ઉપર લગાવેલા સોલર રૂફટોપના મીટર પર વીજળી પડતાં બળીને ખાક થઇ ગયો હતું. જોકે, કોઇ જાનહાનિ થઇ નથી. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પણ 2 મિ.મી.થી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષામાંથી મળ્યા હતા. લાંબા સમયના વિરામ બાદ અને અસહ્ય ઉકળાટ બાદ વરસેલા વરસાદથી શહેર-જિલ્લા વાસીઓએ રાહત અનુભવી હતી.

વડોદરા શહેરમાં મધરાતે મુશળધાર વરસાદ.
વડોદરા શહેરમાં મધરાતે મુશળધાર વરસાદ.

વીજળીના પ્રચંડ કડાકા સાંભળી લોકો ઉઠી ગયા હતા
દુષ્કાળના એંધાણ વચ્ચે મોડી રાત્રે શહેરમાં પ્રચંડ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મધરાત્રે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં એક કલાકમાં 3 ઇંચ (88 મી.મી.) ઉપરાંત વરસાદ વરસતાં શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. પ્રચંડ ગાજવીજ સાથે થયેલા ભારે વરસાદને પગલે મધરાતની મીઠી નીંદર માણી રહેલા લોકો પણ વીજળીના પ્રચંડ કડાકા સાંભળી પથારીમાંથી સફાળા ઊભા થઇ ગયા હતા. નાનાં બાળકો વીજળીના કડાકા સાંભળી ગભરાયને પથારીમાંથી ઊભા થઇ ગયા હતા.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં.

વીજળી સોલરમીટર પર પડી, કોઇ જાનહાનિ નહીં
શહેરના કારેલીબાગ અમીતનગર સર્કલ પાસે આવેલી શિવાશિષ સોસાયટીના મકાન નંબર-73માં રહેતા પરિવારના મકાન ઉપર લગાવવામાં આવેલા સોલાર રૂફટોપ ઉપર કડાડા સાથે વીજળી પડી હતી. સોલર રૂફટોપના મીટર પર વીજળી પડતાં મીટર બળીને ખાક થઇ ગયું હતું. જોકે આ બનાવથી કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ, વીજળી પડતાં જ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. સવારે જી.ઇ.બી.ની ટીમ શિવાશિષ સોસાયટીમાં પહોંચી ગઇ હતી. વીજ પુરવઠો શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મોડી રાત્રે પ્રચંડ ગાજવીજ સાથે એક કલાક સુધી વરસેલા ભારે વરસાદને પગલે હાહાકાર મચી ગયો હતો.

મધરાતે વીજળીના કડાકા સાથે શહેર ધ્રૂજ્યું.
મધરાતે વીજળીના કડાકા સાથે શહેર ધ્રૂજ્યું.

જિલ્લામાં સૌથી વધુ કરજણ તાલુકામાં 30 મિમી
લાંબા સમયના વિરામ બાદ કૃષ્ણ જન્મોત્સવની પૂર્વ રાત્રે પડેલા ભારે વરસાદને પગલે ઠંડક પ્રસરી જતાં શહેરીજનોએ ઉકળાટથી મહદઅંશે રાહત અનુભવી હતી. વડોદરા શહેરની સાથે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં 30 મિ.મી. (કુલ- 355 મિમી.) ડભોઇ- 19 મિ.મિ., (કુલ-415 મિમી.), ડેસર- 2 (કુલ- 193 મિમી.), પાદરા-20 મિમી. (કુલ- 414 મિમી.), વડોદરા- 88 મિ.મિ. (કુલ-545 મિમી.), સાવલી-7 મિમી. (કુલ- 201 મિમી.) અને શિનોર- 23 મિમી. (કુલ-308) મિમી. વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષામાંથી મળ્યા હતા.