સાયબર ક્રાઈમ:વડોદરાના યુવક સાથે KBCની લોટરીના નામે 2.77 લાખની ઠગાઈ, યુપીથી 32 ડેબિટ કાર્ડ સાથે 2 ઝડપાયા

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
યુ.પીથી ઝડપાયેલા આરોપીઓની તસવીર - Divya Bhaskar
યુ.પીથી ઝડપાયેલા આરોપીઓની તસવીર
 • આરોપીઓના 16 બેંક એકાઉન્ટ પોલીસે ફ્રીઝ કર્યા

વડોદરા શહેરના એક યુવકને મોબાઇલમાં 25 લાખની લોટરી લાગ્યાની લલચાવનારો મેસેજ મોકલી આ માટે 2 લાખ 77 રૂપિયાનુ ટ્રાન્ઝેક્શન કરાવી ઠગાઇ કર્યાંની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ મામલે વડોદરા પોલીસે ઉત્તર પ્રદેશથી બે આરોપીને ઝડપી લીધા છે. તેમજ 16 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી 32 ડેબિટ કાર્ડ મળ્યા છે.

યુવકને KBCમાંથી ઈનામ લાગ્યું હોવાનો ફોન મળ્યો હતો
વડોદરાના વાઘોડિયા રોડ પર આવલા વુડાના મકાનમા રહેતા અને શેરડીનો રસ કાઢવાની ગાડી ચલાવી ધંધો કરતા નાજુક પુંડિંલિક ઇંગલેને ગત 1 એપ્રિલના રોજ મોબાઇલમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તમને 25 લાખનું ઇનામ KBC ડિપાર્ટમેન્ટ તરફથી લાગ્યું છે. સાથે જ એક મોબાઇલ નંબર આપ્યો હતો જેના પર વાત કરવા કહ્યું હતું. જેથી નાજુક ઇંગલેએ તે મોબાઇલ નંબર પર કોલ કરતા સામેવાળાએ પોતે આકાશ શર્મા મુંબઇ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી બોલે છે અને ઇનામ લાગ્યું હોવાની વાત કહી હતી. જેથી આ અંગે પ્રોસિજર માટે પહેલા એક રૂપિયો અને ત્યાર બાદ ટૂકડે-ટૂકડે 2 લાખ 77 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓ પાસેથી ઝડપાયેલ મુદ્દામાલ
આરોપીઓ પાસેથી ઝડપાયેલ મુદ્દામાલ

આરોપીઓના 16 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા
આ મામલે વડોદરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીઓનું પગેરું ઉત્તર પ્રદેશના લખનઉના ચિનહટ વિસ્તારમાં મળ્યું હતું. જેથી સ્થાનિક પોલીસને સાથે રાખી વડોદરા પોલીસે વિશાલ ભોલા પ્રસાદ અને સંદીપ કુમાર કંસલાલની ધરપકડ કરી હતી. પોલીસે તેમની સાથે અન્ય કોણ સંડોવાયેલ છે તેની પણ તપાસ હાથધરી છે. લખનઉથી ઝડપાયેલ વિશાલ અને સંદીપ દ્વારા લોકોને ઠગવા માટે ઓપરેટ કરાતા 16 બેંક એકાઉન્ટ તેમજ 4 લાખ 44 હજાર 820 રૂપિયા ફ્રિઝ કર્યા છે.

આરોપીઓ પાસેથી ઝપાયેલ વસ્તુઓ

 • 13 ચેકબુક
 • 15 પાસબુક
 • 32 ડેબિટ કાર્ડ
 • 2 ક્રેડિટ કાર્ડ
 • 7 આધાર કાર્ડ
 • 5 પાનકાર્ડ
 • 1 ડ્રાઇવિંગ લાયસન્સ
 • 1 સ્ટેમ્પ સીલ
 • 2 બેંક અકાઉન્ટ ઓપનિંગ ફાર્મ
 • 1 બોગસ અપંગ સર્ટિફિકેટ
 • 7 સિમ કાર્ડ
 • 2 વાઇફાઇ ડોંગલ
 • 6 મોબાઇલ
 • 1 બેંક પીઓએસ મશિન
 • 1 લેપટોપ
 • 1 ટેબલ
 • 1 હિશાબ ડાયરી

દસ્તાવેજોમાં છેડછાડ કરી બેંક એકાઉન્ટ ખોલાવતા
આરોપીઓ સામાન્ય લોકોના આધારકાર્ડ, પાનકાર્ડ જેવા દસ્તાવેજો મેળવીને તેમાં છેડછાડ કરી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. આ ડોક્યૂમેન્ટના આધારે જુદી જુદી કંપનીનાં સીમકાર્ડ ખરીદી લોકોને લોટરી લાગવાના મેસેજ કરી તેમજ નોકરી આપવાના બહાને ઓનલાઈન નાણાં પડાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...