શિક્ષકોની દિવાળી બગડી:જિલ્લાના 270 પ્રવાસી શિક્ષકો ત્રણ મહિનાથી પગારથી વંચિત

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમયસર ગ્રાન્ટ ન આવતાં શિક્ષકોની દિવાળી બગડી

વડોદરા જિલ્લામાં ચાલતી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાના પગલે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જોકે પ્રવાસી શિક્ષકોને ચૂકવવામાં આવતું મહેનતાણું સમયસર ચૂકવવામાં ના આવતું હોવાની અનેક ફરિયાદો થાય છે. ત્યારે દિવાળી ટાણે જ જિલ્લાના વિવિધ તાલુકાના 270 કરતા વધારે પ્રવાસી શિક્ષકોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો ના હોવાની માહિતી મળી છે. પ્રવાસી શિક્ષકો માટે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે અને તેના આધારે જ પ્રવાસી શિક્ષકોએ કેટલા તાસ લીધા છે તેની ગણતરી કરીને પગાર ચુકવાય છે.

એક પ્રવાસી શિક્ષકને વધુમાં વધુ ~10,500 ચૂકવાય છે. જિલ્લાના પાદરા, કરજણ, સાવલી, ડભોઇ, વડોદરા ગ્રામ્ય, વાઘોડિયા સહિતના તાલુકાઓના 270 કરતા વધારે પ્રવાસી શિક્ષકોને છેલ્લા ત્રણ મહિનાથી મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. ગ્રાન્ટ મોડી આવી હોવાથી રજાઓ શરૂ થતા પહેલા પગાર ચૂકવી શકાયું નથી.

શિક્ષકોની વ્યથા રજૂ કરતા શૈક્ષણિક સંગઠનો દ્વારા પણ આ મુદ્દે મૌન છે. પ્રવાસી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હોય છે. કાયમી શિક્ષકોને તગડો પગાર મળે છે ત્યારે આ જ સંગઠનો ચલાવતા કાયમી શિક્ષકો દ્વારા પ્રવાસી શિક્ષકોના મુદ્દે કોઈપણ પ્રકારનું આંદોલન કે રજૂઆતો કરવામાં આવતી નથી. પાદરાના 66, કરજણના 37, સાવલીના 32, ડભોઇના 24, વડોદરાના 68 અને વાઘોડિયાના 27 શિક્ષકો પગારથી વંચિત છે.

અન્ય સમાચારો પણ છે...