'પ્લીઝ સરકાર અમારી મદદ કરો':સેન્ટ્રલ આફ્રિકામાં બંધક વડોદરા સહિતના 26 ક્રુ મેમ્બર્સે કહ્યું: 'અમને નાઇજીરિયા લઈ જવાશે, બે હાથ જોડી કહીએ છીએ, અમને બચાવી લો'

વડોદરાએક મહિનો પહેલા

છેલ્લા 90 દિવસથી સેન્ટ્રલ આફ્રિકાના ઇક્વિટેરિયલ ગિનીમાં ફસાયેલા વડોદરાના એન્જિનિયર હર્ષવર્ધન શૌચે સહિતના બંધકોને નાઇજીરિયા લઇ જવાનો નિર્ણય લેવાતાં તેમના પરિવારમાં ચિંતા વધી છે. બંધકો પૈકીના એક યુવકે આ અંગેનો એક વીડિયો મોકલાવ્યો છે. જેમાં ક્રુ મેમ્બર્સે દેશના રાષ્ટ્રધ્વજને સાથે રાખીને જણાવ્યું છે કે, બે હાથ જોડીને કહીએ છીએ, પ્લીઝ અમને બચાવી લો. હવે નાઇજીરિયા અમારો કબજો લઇ રહ્યું છે જે ગેરકાયદે છે. અમને સરકારની મદદ જોઈએ છે, અમને જબરદસ્તી અમારા જહાજને લઈ જવામાં આવી રહ્યું છે. તમામ બંધકો પાસેથી મોબાઈલ ફોન લઈ લેવાયા છે. આ વીડીયો મળતાં શૌચે પરિવારમાં ગમગીની વ્યાપી હતી અને હકીકતની જાણ સાસંદ રંજનબેન ભટ્ટને કરી હતી.

હજુ સુધી 26 ભારતીયોનો છુટકારો થયો નથી
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં શિવાશીષ ફ્લેટમાં રહેતા હર્ષવર્ધન મુકુંદભાઈ શૌચે ફેબ્રુઆરી માસમાં ઇક્વિટેરિયલ ગિની ખાતે ગયા હતા. શિપમાં નોકરી ઉપર હતા, તે દરમિયાન સિક્યુરિટીએ પકડી લીધા હતા. તે વાતને 90 દિવસ થઈ ગયા છે. પરંતુ, હજુ સુધી વડોદરાના હર્ષવર્ધન શૌચે સહિત 26 ભારતીયોનો છુટકારો થયો નથી.

હર્ષવર્ધન શૌચનો પરિવાર.
હર્ષવર્ધન શૌચનો પરિવાર.

26 ક્રુ મેમ્બરને કબજો નાઇજીરિયાએ લેવાનો નિર્ણય
હર્ષવર્ધન શૌચે પરિવારજનોએ જણાવ્યું હતું કે ‘હર્ષવધન સહિત તમામ 26 ક્રુ મેમ્બરનો કબજો નાઇજીરિયાએ લેવાનો નિર્ણય કર્યો છે, જેથી અમે વધુ ચિંતીત બન્યા છે. આ અંગે અમે સાસંદ રંજનબેન ભટ્ટનો સંપર્ક કરી હકીકત વર્ણવી હતી અને રંજનબેને તુરંત જ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને ત્વરીત બંધકોને છોડાવવા માટે રજૂઆત કરી હતી. જેના પગલે વિદેશ મંત્રાલય પણ હવે વધુ સક્રિય બન્યું છે.ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલય દ્વારા બંધકોને મુક્ત કરાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.

બંધકોના પરિવાર એકબીજાના સંપર્કમાં
આફ્રિકાના જીનીયા ખાતે વડોદરા સહિત ભારતના 16 યુવકો ફસાયેલા છે. હાલમાં તેઓનાં પરિવાર સતત સંપર્કમાં છે અને કોઈ પણ વીડીયો બંધકો તરફથી આવે એટલે પરિવાર વચ્ચે શેર કરવામાં આવે છે, જરૂર પડે વીડિયો કોલથી પરિવારજનો સંપર્કમાં છે.

વીડીયો મળતાં જ શૌચે પરિવારમાં ગમગીની વ્યાપી હતી.
વીડીયો મળતાં જ શૌચે પરિવારમાં ગમગીની વ્યાપી હતી.

4 નવેમ્બરથી ચિંતા વધી ગઈ
હર્ષવર્ધનનાં પત્ની સ્નેહાબેન શૌચેએ ચોંધાર આંસુએ રડતાં..રડતાં..જણાવ્યું હતું કે, તા. 4 નવેમ્બરના રોજ એવો મેસેજ મળ્યો છે કે, મારા પતિ સહિત તમામ 26 ક્રુ મેમ્બરનો કબજો નાઇજીરિયા લેવાનું છે, ત્યારથી ચિંતા વધી ગઇ છે. અનેક વિચારો આવી રહ્યા છે. જે વિચારો સહનશીલતાની બહાર છે. હું વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટને સોમવારે મળી હતી. તેમણે પણ મારા પતિ વહેલી તકે આવી જાય તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. કંપની દ્વારા ઇક્વિટેરિયલ ગિનીએ દંડ પણ ભરી દીધો છે. ફસાયેલા 26 પૈકીના અનેક લોકો બીમાર પડી ગયા છે. એક એન્જિનિયરની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય અત્યાર સુધી મદદ કરતું આવ્યું છે.

હવે ધીરજ ખૂટી રહી છે
ડૂસકું લેતાં સ્નેહાબહેને વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી મારા પતિ હવે મારા ઘરમાં નહીં આવે ત્યાં સુધી દિવસો તો શું કલાકો પણ પસાર કરવા હવે મુશ્કેલ લાગી રહ્યા છે. મારી ભારત સરકારને વિનંતી છે કે, મારા પતિ સહિત તમામ 26 ભારતીયોનો કબજો નાઇજીરિયા લે તે પહેલાં તમામને મુક્ત કરાવી ઇન્ડિયા લઇ આવે. હવે મારી ધીરજ ખૂટવા લાગી છે. હવે અમારો એકમાત્ર આધાર ભારત સરકાર અને ભગવાન છે. ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે મારા પતિ હેમખેમ ઘરે આવી જાય.

રાષ્ટ્રધ્વજ સાથે ક્રુ મેમ્બર્સ.
રાષ્ટ્રધ્વજ સાથે ક્રુ મેમ્બર્સ.

નવા વર્ષની શુભેચ્છા આપી હતી
સ્નેહાબહેને જણાવ્યું હતું કે, શરૂઆતમાં એવું લાગતું હતું કે, ઇન્વિસ્ટિગેશનની કાર્યવાહી પૂરી થયા બાદ પતિ ઘરે આવી જશે. પરંતુ, નવેમ્બર માસ પણ શરૂ થઈ ગયો છતાં, પતિ ક્યારે મુક્ત થશે તેની ખબર નથી અને તા.4 નવેમ્બરથી તો ચિંતામાં વધારો થઇ ગયો છે. ઓક્ટોબર માસમાં દિવાળી હતી. પતિ સાથે વીડિયો કોલિંગમાં વાત પણ થઇ હતી. નવા વર્ષની શુભેચ્છા પણ આપી હતી. પરંતુ, તે સમયે આટલી બધી ખરાબ સ્થિતિ ન હતી. પરંતુ, હવે સ્થિતિ ખરાબ થતી જણાય છે. મારી ભારત સરકારને વારંવાર એક જ વિનંતી છે કે, મારા પતિ સહિત 26 ક્રૂ મેમ્બર નાઇજીરિયાના કબજામાં જાય તે પહેલાં તેઓને મુક્ત કરાવો.

માસૂમ પર્વને સમજાવવો મુશ્કેલ
હર્ષવર્ધનનાં વૃદ્ધ માતા માનસીબહેન અને પિતા મુકુંદભાઇ શૌચેએ જણાવ્યું હતું કે, હવે અમને અમારા પુત્રની ચિંતા વધી ગઇ છે. તે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આવી જવાનો હતો. પરંતુ, તે આવે તે પહેલાં આ સમાચાર આવતા અમે ચિંતાતુર બની ગયાં છે. આ ઢળતી ઉંમરે મારી પુત્રવધૂ સ્નેહાનાં આંસુ જોવાતાં નથી. સ્નેહા રડતી હોય ત્યારે 5 વર્ષના પુત્રને પણ તેની આગળ જવા દેતા નથી. 5 વર્ષનો પુત્ર પર્વ મમ્મી કેમ રડે છે તેવું પૂછે ત્યારે અમારે તેને કોઇ બહાનું બતાવીને બીજા રૂમમાં લઇ જવો પડે છે. અમારા પુત્રને ભારત સરકાર વહેલી તકે મુક્ત કરાવે તેવી અપીલ છે. આ કિસ્સામાં ઝડપથી મદદ કરવા માટે વિદેશ મંત્રાલયને પત્ર પણ લખ્યો છે.

હર્ષવર્ધન શૌચના માતા-પિતા.
હર્ષવર્ધન શૌચના માતા-પિતા.

પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો સાંત્વન આપે છે
હર્ષવર્ધનનો પરિવાર ચિંતાતુર છે. પરિવારના અન્ય સભ્યો, મિત્રો, શુભેચ્છકો શૌચે પરિવારને હિંમત આપવા માટે આવન-જાવન કરી રહ્યા છે. સતત રડી રહેલા હર્ષવધનનાં માતા અને પત્ની સતત રડી રહ્યાં છે. સાસુ-વહુ એકબીજાને સાંત્વના આપી રહ્યાં છે. પરિવારજનો સાસુ-વહુ એકલતા ન અનુભવે તે માટે સતત તેમની પાસે રહે છે. માતાને પુત્રની ચિંતા અને પત્નીને પતિની ચિંતા કોરી રહી છે. તેઓને હર્ષવર્ધનની ચિંતામાં કોળિયો પણ ગળે ઊતરતો નથી. પરિવારની એકમાત્ર અપીલ છે કે હર્ષવર્ધન સહિત તમામ 26 ક્રૂ-મેમ્બરને મુક્ત કરાવે.

કેન્દ્રીય મંત્રી પરિવારને મળ્યા હતા
યુવાન એન્જિનિયરને મુક્ત કરવા માટે સાંસદ રંજનબેન ભટ્ટે વિદેશ મંત્રાલયને પત્ર લખી વહેલી તકે તમામ ક્રૂ મેમ્બર મુક્ત થાય તે માટે જાણ કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ શૌચે પરિવારની મુલાકાત લીધી હતી અને સરકાર તરફથી તેમને હિંમત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...