એજ્યુકેશન:ATKTના ફોર્મ ભર્યા બાદ બે મહિનાથી 2500 વિદ્યાર્થીઓ પરીક્ષાની રાહ જુએ છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના એટીકેટીના વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં લેવાતા અટવાયા
  • ​​​​​​​વર્ષ 2022માં ફોર્મ ​​​​​​​ભરવામાં આવ્યા ત્યારે ફી પેટે રૂા.660 લેવામાં આવ્યાં હતા

એમ.એસ યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની એટીકેટીની પરીક્ષાઓ માટે 2022માં ફોર્મ ભરાવી દેવાયા હતા. ફી પેટે વિદ્યાર્થીઓ પાસેથી 660 રૂપીયા પણ લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ એવા આક્ષેપ કરી રહ્યા છે કે ફીના રૂપીયા લીધા બાદ સત્તાધિશો આ પરીક્ષા ભુલી ગયા છે. નવેમ્બર 2022માં પરીક્ષા લેવાશે તેવી જાહેરાતો વિભાગના વડા દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આજ દિવસ સુધી એટીકેટીના વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. જેના કારણે 2500 જેટલાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ચેડા થઈ રહ્યા છે.

સેમેસ્ટર 2, 4 અને 6માં અનેક વિદ્યાર્થીઓ એવા છે જેઓ એક કે એકથી વધારે વિષયોમાં નાપાસ થયા હોય. તેઓ અભ્યાસમાં પાછળ ન રહી જાય તે માટે અન્ય વર્ષમાં એડમિશન આપ્યા પછી કેટી સોલ્વ કરી શકતા હોય છે. પરંતુ ત્રીજા વર્ષમાં આવેલી કેટીની પરીક્ષા સમયસર નહી યોજાતા વિદ્યાર્થીના આગળના અભ્યાસ માટેના એડમિશનમાં વિલંબ થાય તેમ છે. વર્ષ બગડે તેવી પરિસ્થિતી ઉભી થાય છે. ત્યારે આવી બાબતો પર યુનિવર્સીટીના સત્તાધિશોએ યોગ્ય રીતે નિર્ણય લેવા જરૂરી બન્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાની બાબતને લઈને શનિવારે હેડ ઓફિસ ખાતે આવેદન પત્ર આપ્યું હતુ અને વહેલી તકે વિદ્યાર્થીઓની એટીકેટીની પરીક્ષાઓ પુર્ણ કરવામાં આવે તેવી માગણી કરી છે.

પરીક્ષાના નાણા ઉઘરાવ્યા બાદ હજુ સુધી પરીક્ષાઓ નહી લેવાતા આજે નિખીલ સોની, જય રાણા સહિત કેટલાક વિદ્યાર્થીઓએ સત્તાધિશોને આવેદન પત્ર આપ્યું છે. હવે સત્તાધિશો એટીકેટીની પરીક્ષા ક્યારે લે છે અને જે વિદ્યાર્થીઓના માસ્ટર્સના અભ્યાસ પર અસર થઈ રહી છે તે ક્યારે વિભાગના વડાઓ જુએ છે તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષથી વિવિધ ફેકલ્ટીમાં સમયસર રિઝલ્ટ મળતા નથી તો હવે સમયસર પરિક્ષાઓ પણ લેવામાં આવતી ન હોવાના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ આ સ્થિતિથી પરેશાન છે ત્યારે યુનિ. દ્વારા ખાસ કરીને પરિક્ષા અને રિઝલ્ટ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...