નવા વર્ષના પહેલા દિવસે આજે વડોદરા શહેરના નાના-મોટા 100થી વધારે મંદિરોમાં 5 હજાર કિલોથી વધુ મીઠાઈ, ફરસાણ તેમજ વિવિધ ખાદ્ય સામગ્રીઓનો અન્નકુટ ધરવવામાં આવ્યો હતો. જેમાં 500થી વધારે સામગ્રીઓનો સમાવેશ કરાયો હતો. અટલાદરા સ્થિત બીએપીએસ મંદિરમાં ચાલુ વર્ષે 250 વાનગીઓનો અન્નકુટ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં નુતનવર્ષમાં ભવ્ય અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નકુટ મનોરથમાં 300 કિલો અન્ન(ભાત)ના પાંચ ફુટથી પણ ઉંચા શિખરની અતિદિવ્ય સજાવટ સાથે વિવિધ સામગ્રી શ્રીપ્રભુને ધરવામાં આવશે.ભવ્ય અન્નકુટ મનોરથ નાદર્શન 5 નવેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે, વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે સૌ ભાવિકજનો અર્થે ખુલ્લા મૂકવામાં આવશે.
સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ભક્તો અન્નકુટના દર્શન કરી શકશે
બીએપીએસ મંદિરમાં ચાલુ વર્ષે અન્નકુટમાં મીઠાઈ,ફરસાણ અને બેકરીની ખાદ્ય વસ્તુઓનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્નકુટના દિવસે શહેરના 15 હજારથી વધુ ભક્તો પોતાના ઘરે પણ ભગવાનને વિવિધ ખાદ્યવસ્તુઓ ધરાવાઇ હતી. મંદિર દ્વારા અન્નકુટના દિવસે આરતી બાદ સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ભક્તો અન્નકુટના દર્શન કરી શકશે.
પાંચ ફૂટથી પણ ઊંચા સખડીના શિખરની સજાવટ થશે
યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયે જણાવ્યું હતું કે, પુષ્ટિમાર્ગીય પ્રણાલી અનુસાર શ્રી પ્રભુને અન્નકુટમાં વિધવિધ ભોગ-સામગ્રી ધરાવવામાં આવે છે જેની સજાવટ ખૂબ જ અલૌકિક અને દર્શનીય હોય છે.જેમાં 300 કિલો અન્નના વિનિયોગથી પાંચ ફૂટથી પણ ઊંચા સખડીના શિખરની સજાવટ થશે.
ભક્તોએ પોતાના ઘરે જ વિવિધ વાનગીઓ બનાવી
નૂતન વર્ષના દિવસની પૂર્વ સંધ્યાથી જ અન્નકુટની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. ભક્તોએ પોતાના ઘરે જ વિવિધ વાનગીઓ બનાવી હતી. જે વાનગીઓને શુક્રવારે સવારે મંદિરોમાં પુજારીને આપવામાં આવી હતી. અન્નકુટમાં ભક્તોએ પોતાના ભગવાનને જલેબી-ફાફડા,પુરી-શાક,દાળ-ભાત,શીરો,ફરસાણ,વિવિધ પ્રકારની મીઠાઈઓ તેમજ આઈસ્ક્રિમ અને કોલ્ડડ્રિંક્સ પણ ધરાવ્યાં હતાં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.