મહિલા દિવસ પૂર્વે પોલીસ તંત્રે અનોખી પહેલ કરી છે. ખાનગી હોસ્પિટલો મહિલા પોલીસ ટીમનું મેડિકલ ચેકઅપ કરાવવાની યોજના સાથે પોલીસ કમિશનર પાસે ગઈ હતી ત્યારે તેમણે પથારાવાળી બહેનોનું મેડિકલ ચેકઅપ કરાવવાનું કહેતાં પોલીસ તંત્રે પથારાવાળી મહિલાઓનું મેડિકલ ચેકઅપ કરવાનું બીડું ઝડપ્યું છે. અત્યાર સુધી 250 પથારાવાળી મહિલાઓનું મેડિકલ ચેકઅપ થયું છે અને હજુ પણ ઝુંબેશ ચાલુ છે.
કમિશનર ડો.શમશેરસિંઘે જણાવ્યું કે, થોડાક દિવસો પહેલાં ખાનગી હોસ્પિટલોના સત્તાધીશો મળવા આવ્યા હતા અને મહિલા પોલીસ અને શી ટીમનું મેડિકલ ચેકઅપ કરવા અનુરોધ કર્યો હતો. જોકે મેં કહ્યું હતું કે, મહિલા પોલીસ અને શી ટીમનું તો મેડિકલ ચેકઅપ થઇ ગયું છે, પણ તમે જો પથારાવાળી મહિલાઓનું મેડિકલ ચેકઅપ કરાવશો તો પણ સારું થશે.
કારણ કે પથારાવાળી મહિલાઓ, સ્લમમાં રહેતી મહિલાઓ આખો દિવસ રોજગારી માટે વ્યસ્ત રહે છે. તેમણે ઘર અને રોજગારી બંને સંભાળવાનું હોય છે. તે પૈસા કમાવવાની લ્હાયમાં અને પરિવારને સાચવવામાં તેની તબિયતની કાળજી રાખવાનો સમય મળતો નથી એટલે પથારાવાળી મહિલાઓનું મેડિકલ કરાવવા નિર્ણય કરાયો હતો.એસીપી રાધિકા બરઇ કહે છે કે, અમે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, વડોદરા યુનિટના ડો. દેસાઇના સહકારથી અત્યાર સુધી પથારાવાળી 250 મહિલાઓનું મેડિકલ ચેકઅપ કરાવી ચૂક્યા છીએ. હજુ સંખ્યા વધશે. અમે મોટાભાગે મંગળબજારની પથારાવાળી મહિલાઓનું મેડીકલ ચેક કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.