મ.સ.યુનિ.ની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિવાદિત આર્ટવર્ક મુદ્દે હોબાળો થતાં ફેકલ્ટીની બદનામી થઈ રહી છે, બીજી તરફ ફેકલ્ટીના અન્ય 25 વિદ્યાર્થી અને 5 શિક્ષકોએ વડનગરમાં 37 કલાકૃતિ તૈયાર કરી તેનું નામ ઉજાગર કર્યું છે. કલાકૃતિમાં 2 વિશાળ ભીંતચિત્ર અને 35 વોટર કલર પેઇન્ટિંગ્સનો સમાવેશ થાય છે. આ પેઇન્ટિંગ્સને 6ઠ્ઠી મેએ અમદાવાદ લલિત કલા અકાદમીને ફ્રેમિંગ માટે મોકલી અપાયાં હતાં. આ તમામ આર્ટવર્ક 18થી 20 મે સુધી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાનારી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ દરમિયાન હોલમાં મૂકવા તૈયાર કરાયાં છે.
વડોદરાની ટીમે વડનગરમાં 1 મેએ પહોંચીને 3 મે સુધી રોકાઇને કલાકૃતિ તૈયાર કરી હતી. વિદ્યાર્થી-પ્રાધ્યાપકોએ વડનગર અને તેની આસપાસનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ કલાકૃતિ તૈયાર કરી હતી. વડનગરના ઐતિહાસિક કીર્તિ તોરણની આસપાસ 2 ભીંતચિત્ર તૈયાર કર્યાં હતાં, જેમાં તોરણની સામેના ભાગે 9 લાંબું અને 6 ફૂટ પહોળું ભીંતચિત્ર એક્રેલિક કલર્સથી તૈયાર કર્યું છે. જેમાં પરંપરાગત ડિઝાઇન્સ છે, જેમાં લોકનૃત્યો-કળા, પીઠોરા અને હાથી સહિતનાં પ્રાણી છે.
બીજું ભીંતચિત્ર 30 ફૂટ લાંબું અને 5 ફૂટ પહોળું સિટી સ્કેપ છે, જે મોનોક્રોમેટિક બ્રાઉન કલરનું છે, જેમાં ઇમારતો, વૃક્ષો સહિતની ચીજોને આવરાઈ છે. પ્રાધ્યાપક પીયૂષ ઠક્કરે જણાવ્યું કે, બપોરે તડકો હોવાથી સાંજથી સવારના 4 વાગ્યા સુધી અમે ચિત્રો તૈયાર કર્યાં છે.
આ બંને વોલ પેઇન્ટિંગ્સમાં 25 લિટર કલર્સનો ઉપયોગ થયો છે. આ પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં ફેકલ્ટીના પ્રાધ્યાપકો પીયૂષ ઠક્કર અને અરવિંદ સુથારનું માર્ગદર્શન હતું. જ્યારે વોટર કલર્સ પેઇન્ટિંગ્સના પ્રોજેક્ટમાં ફેકલ્ટીના શિક્ષકો સુનિલ દરજી, ઉદય પંચાલ અને અમિત ચૌધરીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તમામ પેઇન્ટિંગ્સ 22 ઇંચ લાંબાં અને 15 ઇંચ પહોળાં છે. વડનગરના ઐતિહાસિક તોરણ ઉપરાંત શર્મિષ્ઠા તળાવ, ઝણઝણિયો કૂવો, બૌદ્ધ સ્તૂપ, શર્મિષ્ઠા તળાવની આસપાસ ખોદકામ કરતાં મળેલાં ઐતિહાસિક બાંધકામો સહિતનાં સ્થળોની મુલાકાત એમએસયુની ટીમે લીધી હતી.
PMO ઓફિસથી માત્ર MSUનો જ આગ્રહ હતો
આ ઇન્ટરનેશનલ ફેસ્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મહેમાનો ગુજરાત આવશે. વડનગરમાં સંખ્યાબંધ ઐતિહાસિક અને રોચક જોવાલાયક સ્થળો છે. આ સ્થળોનો પરિચય મહેમાનોને થાય તેવા હેતુથી લલિતકલા અકાદમીના તત્કાલિન સચીવ બળદેવ દેસાઇને અપાયેલી સૂચનાના પગલે આ આર્ટવર્ક તૈયાર કરાયાં છે.
કોરોનાના પગલે જ્યારે વિદ્યાર્થીઓ નહોતા આવતા ત્યારે એમએસયુએ આ કામ લીધું નહતું. ત્યારે અકાદમીએ આ કામ અન્ય યુનિ.ને અપાય તેવી પ્રપોઝલ પીએમઓ ઓફિસમાં મોકલી હતી. જોકે પીએમઓ ઓફિસે આ કામ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જ થાય તેવો આગ્રહ રાખતાં આ કામ છેવટે યુનિવર્સિટીને જ સોંપાયું હતું, એમ ફેકલ્ટીના પ્રાધ્યાપક સુનિલ દરજીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.