રાજસ્થાનથી મુંબઇ ખાતે લઇ જવાઈ રહેલાં ઘેટાં-બકરાં અને ભેંસોને ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડના સભ્ય સહિતના આગેવાનોએ રેસ્ક્યૂ કરીને પોલીસને સોંપ્યો હતો. મંજૂસર પોલીસે ઘેટાં-બકરાં અને ભેંસને પાંજરાપોળમાં મોકલી આપ્યાં હતાં અને 5 આરોપીની ધરપકડ કરી કુલ રૂા.11.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પાંજરાપોળના સભ્ય રોશન ઝવેરી અમદાવાદથી વડોદરા આવી રહ્યા હતા ત્યારે તેઓએ ગુજરાત એનિમલ વેલફેર બોર્ડના સભ્ય રાજીવ શાહને ફોન કરીને જાણ કરી હતી કે, મારી કારની આગળ જતી ટ્રકમાં ઘેંટાં-બકરાં ભરેલાં હોવાનું જણાય છે. જેથી તમે એક્સપ્રેસ વે ટોલનાકા પાસે આવી જાવ. આ સંદેશો મળતાં રાજીવ શાહ અને પાર્થ સંઘવી ટોલ નાકાએ પહોંચ્યા હતા. જ્યાં એક ટ્રકને રોકી રાજીવ શાહે તપાસ કરતાં તેમાં 108 ઘેટાં, 134 બકરાં મળી કુલ 242 પશુ (રૂા.3.24 લાખ) મળી આવ્યાં હતાં.
મંજુસર પોલીસે મહંમદ લાલખાન બલોચ (સેસણ જૂના, તા.દિયોદર, જિ.બનાસકાંઠા), રાયલખાન સુમારખાન મંગલિયા અને છોટેખાં લાલખાં મંગળિયા (બંને. ખ્યાલા. તા.ફતેગઢ, જિ.જેસલમેર, જિ.રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમની કલમ 11(1) સહિતની કલમો મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ઉપરાંત રાજસ્થાન પાસિંગની અન્ય એક ટ્રકમાંથી 9 ભેંસો સહિત કુલ 15 પશુ પકડાયાં હતાં. 5 લાખની ટ્રક અને ભેંસો સહિત કુલ રૂા.5.96 લાખનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે તૌસીફ અહેમદ રસુલભાઈ કુરેશી અને હારૂન રસુલભાઈ કુરેશી (બંને નંદાસણ, તા.કડી, જિ.મહેસાણા)ની ધરપકડ કરી હતી. બંને કિસ્સામાં પોલીસે 5 આરોપી સહિત 11.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.