પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક ગામમાં કુટુંબી પિતરાઇએ 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર શહેરા પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નરાધમે ફૂલ જેવી બાળકીને પીંખી નાખી
શહેરા તાલુકાના એક ગામમાં 1 ઓગસ્ટ રવિવારના રોજ સવારે પતિ અને પત્ની રોજકામ માટે બહાર ગયા હતા અને તેઓના સંતાનો ઘરે હતા, ત્યારે બપોરના સમયે તેમના ફળિયામાં જ રહેતો 24 વર્ષીય રમેશ ત્યાં આવી પહોંચ્યો હતો અને 7 વર્ષીય પોતાની કુટુંબી પિતરાઇ બહેનને જણાવ્યું હતું કે, ચાલ મારા ઘરે ખાતર મૂકવાનું છે, આથી બાળ સહજ 7 વર્ષીય બાળકી તેની સાથે ચાલી નીકળી હતી. ઘરમાં એકાંતમાં કુટુંબી પિતરાઇ રમેશ વાસનાનો કીડો સળવળતાં ફૂલ જેવી બાળકીને પિંખી નાખીને દુષ્કર્મ આચર્યું હતું.
બાળકીએ ધ્રુજતા અવાજે ઘટનાની પૂરી કેફિયત રજૂ કરી
ત્યારબાદ બાળકીને 10 રૂપિયા આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. સાંજે 5 વાગ્યે તેણીની માતા આવતા ફૂલ જેવી બાળકી ખાટલામાં કણસતી ગોદડી ઓઢીને સૂતી હતી. જેથી બીજી દીકરીને પૂછતાં તેણીએ જણાવ્યું હતું કે બહેનને ગુપ્ત ભાગેથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો છે, જેથી ગોદડી હટાવી જોતા રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આવું થવાનું કારણ પૂછતાં ડરી ગયેલી બાળકીએ ધ્રુજતા અવાજે બનેલી ઘટનાની પૂરી કેફિયત રજૂ કરી હતી જે સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
3 દિવસ સુધી બાળકીને રક્તસ્ત્રાવ બંધ ન થયો
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ સુધી બાળકીને રક્તસ્ત્રાવ બંધ થયો નહોતો, પરંતુ, સમાજમાં બદનામી અને ઈજ્જત જવાની બીકે આ વસ્તુ છુપાવામાં આવી હતી, પરંતુ, બુધવારના રોજ બાળકીના પિતાને સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા અને જેથી તેઓ તાત્કાલિક શહેરા પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા, જ્યા, બળાત્કારી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો
બાળકીને સૌ પ્રથમ શહેરા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ગોધરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ચકચારી ઘટનાને પગલે ખોબલા જેવા ગામમાં અને પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. પોલીસે બનાવની ગંભીરતા જોતા ગણતરીના કલાકોમાં જ બળાત્કારી આરોપી રમેશને ઝડપી પાડી કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કાર્યવાહી બાદ ધરપકડ કરવામાં આવશે.
પંચમહાલ જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી
ઘટનાની ગંભીરતા જોતા પોલીસ અધિકારીઓ શહેરા ખાતે દોડી આવ્યા હતા અને પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલે આજે ગામની મુલાકાત લઈ ઘટનાનો તાગ મેળવ્યો હતો અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા.
(અહેવાલઃ શ્યામલ પટેલ, શહેરા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.