એક મહિનાથી મ.સ.યુનિમાં બની રહેલી શરમજનક ઘટનાઓને પગલે સિન્ડીકેટની બેઠકમાં તમામ ઘટનાઓના ફરીયાદી તરીકે આવતીકાલે યુનિવર્સીટી સત્તાધિશો દ્વારા પોલિસ ફરીયાદ કરવાનો નિર્ણય લેવાયો છે. ટુંકા ગાળામાં કોમર્સના યુનિટ બિલ્ડીંગ ખાતે નમાજ પઢવાની ઘટના, કોમર્સ મેઇન બિલ્ડીંગ ખાતે હાજરીપત્રકમાં બિભત્સ ચિત્ર બનાવવાની ઘટના, મેઇન અને યુનિટ બિલ્ડીંગ ઉપર મારામારીની ઘટના તથા યુનિટ બિલ્ડીંગ ખાતે વિદ્યાર્થિનીની છેડતીની ઘટનાઓમાં આરોપી વિદ્યાર્થીઓને કમિટીનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય સિન્ડિકેટની બેઠકમાં લેવાયો છે.
29 ડિસેમ્બરે MSUમાં સિન્ડીકેટની બેઠકમાં ઝિરો અવર્સમાં યુનિવર્સીટીમાં બનેલી તમામ ઘટના મુદ્દે ચર્ચા કરાઇ હતી. જેમાં જ્યાં સુધી કમિટીનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી છેડતીમાં સામેલ 3, મારામારીમાં સંડોવાયેલા 8, નમાજ પઢનાર 2 અને બિભત્સ ચિત્રો બનાવનાર પૈકી શંકાસ્પદ 10 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં સિન્ડિકેટ સભ્ય દિનેશ યાદવે કહ્યુ હતું કે જે બનાવો બની રહ્યા છે તેને કારણે સંસ્થાની છબી ખરડાઈ છે. તેને લઈને યુનિવર્સીટીએ જ ફરીયાદી બનવું જોઈએ. જેમાં તમામ સભ્યોએ વાતને સાથ આપ્યો હતો. ત્યારબાદ સિન્ડીકેટની બેઠકમાં એક રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું હતું.
જેમાં ફરિયાદી તરીકે એમ.એસ.યુનિવર્સીટી રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી બાજુ કોમર્સ ફેકલ્ટીમાં હાજરી પત્રકમાં બિભત્સ ચિત્ર વાળી ઘટનાને પણ સિન્ડીકેટમાં સભ્યો દ્વારા વખોડાઈ હતી અને તેના પર પણ જરૂરી પગલાં યુનિવર્સીટી દ્વારા લેવામાં આવે તેવો નિર્ણય કરાયો હતો. કોમર્સ ફેકલ્ટીમાં યુવતી સાથે બનેલી છેડતીની ઘટના અને મારામારીની ઘટનામાં જવાબદાર દોષિતોને યુનિવર્સીટીમાં પ્રવેશ આપવામાં ન આવે તેવો પણ નિર્ણય લેવાયો હતો.
મારામારી કરનારાં બહારનાં તત્ત્વો સામે ફરિયાદ કરાશે
મારામારીમાં બહારથી આવેલા શખ્સોને ઓળખી તેમની સામે પણ સત્તાધીશો ફરીયાદ કરશે તેવો નિર્ણય બેઠકમાં લેવાયો છે. સાથે જ આઈકાર્ડનું ચેકિંગ કરવા સહિત ડિસીપ્લીનરી કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં જોઇન્ટ રજિસ્ટ્રાર, 5 સિન્ડીકેટ સભ્ય અને એક પ્રોફેસરની નિમણુંક થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.