વડોદરામાં ફૂડ પોઇઝનિંગ:રાયપુરામાં લગ્નપ્રસંગમાં વરરાજા સહિત 226ને ખોરાકી ઝેરની અસર, ગોત્રી સહિતની હોસ્પિટલોમાં ખસેડાયા, પ્રસંગમાં 3 હજાર લોકો હાજર હતા

2 મહિનો પહેલા

વડોદરાના ભાયલી પાસે આવેલા રાયપુરા ગામે લગ્નપ્રસંગમાં ફૂડ પોઇઝનિંગનો બનાવ બન્યો છે. જેમાં લગ્નપ્રસંગના જમણવારમાં જમતાં 226 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ દર્દીઓની હાલત સામાન્ય છે. લગ્નમાં વરરાજાને પણ ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે અને તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. વરરાજાની હાલત પણ સામાન્ય છે.

229ને પેટમાં દુઃખાવો અને ઉલટીની ફરિયાદ
વડોદરાના ભાયલી ગામ પાસે આવેલા રાયપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં મેંગો ડિલાઇટ ખાતા 226 લોકોને ઝેરી ખોરાકની અસર થતાં હાહાકાર મચી ગયો હતો. પેટમાં દુઃખાવાની, ઉલટીઓ થવાની તેમજ ઉબકા આવવાની ફરિયાદો કરનાર તમામ અસરગ્રસ્તોને ગોત્રી સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં 3000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

દૂધની બનાવટ ખાવાથી ફૂડ પોઈઝનિંગનો પ્રાથમિક રિપોર્ટ
મળેલી માહિતી પ્રમાણે ભાયલી ગામ પાસેના રાયપુરા ગામમાં બળવંતસિંહ મગનસિંહ પઢીયારના દીકરાના લગ્ન પ્રસંગ હતો.આજે દીકરાના લગ્ન હતા. જોકે, લગ્ન પહેલા જ રાત્રે જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં 3000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નનો વરઘોડો રાત્રે નીકળ્યો હતો અને તેમાં ધીમે ધીમે લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી મોડી સાંજથી શરૂ થયેલા જમણવારમાં દૂધમાંથી બનાવવામાં આવતા મેંગો ડિલાઇટ સ્વીટ સહિત વિવિધ ચીજ વસ્તુઓ હતી.

મેંગો ડિલાઈટ ખાવાના કારણે લોકોને અસર થઈ હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના તબીબોની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. મોડી રાત્રે બનેલા બનાવને જાણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેન ચૌહાણને થતાં તેઓ તુરંત જ સ્થળ ઉપર દોડી ગયા હતાં અને અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તેવું આયોજન કર્યું હતું.

111ને ગોત્રી અને બાકીને અલગઅલગ હોસ્પિટલ ખસેડાયા
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું હતું કે, રાયપુરા ગામમાં આયોજિત લગ્ન પ્રસંગમાં 226 જેટલા લોકોને મેંગોલાઇટ સ્વીટ ખાવાના કારણે ઝેરી અસર થઈ હતી. અસરગ્રસ્તો પૈકી 111 જેટલા લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને ઓપીડી બેઝ પર સારવાર આપવામાં આવી હતી. તે પૈકી 87 લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ, 19 લોકોને ખાનગી હોસ્પિટલ, 5 લોકોને પાદરા સીએચસી ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 19 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.

અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કામગીરીમાં 19 સર્વેલન્સ ટીમ, 38 પેરા મેડિકલ સ્ટાફ, 9 મેડિકલ ઓફિસર, 3 તાલુકા હેલ્થ ઓફિસર કામે લગાડવામાં આવ્યાં હતાં. આ ગામમાં 4204 લોકો રહે છે. જે પૈકી 894 ઘરોમાં તબીબી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. અને અસર જણાતા લોકોને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી.

કલેક્ટર સહિતનો સ્ટાફ દોડી ગયો
રાયપુરા ગામમાં મોડી સાંજે બનેલા આ બનાવની જાણ જિલ્લા કલેક્ટર અતુલ ગોર તેમજ એકેડેમિક મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસરો દોડી ગયા હતા. અસરગ્રસ્તોને વહેલામાં વહેલી સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરી સૂચનાઓ પણ સ્ટાફને આપવામાં આવી હતી. રાયપુરા ગામ ડભોઇ વિધાનસભા મત વિસ્તારમાં આવતો હોવાથી ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને અસરગ્રસ્તોને જરૂરી સારવાર મળી રહે તેવી સૂચના આપી હતી. આ બનાવે સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી મૂક્યો હતો.

6 દિવસ પહેલાં પણ ડોક્ટરોના એક કાર્યક્રમમાં ફૂડ પોઈઝનિંગ થયું
વડોદરા જિલ્લાના પાદરામાં ડોક્ટર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં જ ફૂડ-પોઈઝનિંગનો બનાવ બન્યો છે. પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગેમાં ખીર ખાવાને કારણે બાળકો સહિત 123 જેટલા લોકોને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં અફરાતફરી મચી ગઈ હતી. ખીર ખાવાથી તબિયત બગડતાં તમામને તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જે લોકોની હાલત ખરાબ હતી તેવા લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને પગલે આરોગ્યતંત્ર પણ દોડતું થયું હતું. આ બનાવની જાણ થતાં વડોદરા જિલ્લા કલેક્ટર પણ પાદરા સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જોકે તમામની હાલત ખતરા બહાર હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી.

બાલકૃષ્ણ પટેલ મોડી રાત સુધી સ્થળ પર હાજર રહ્યા
ભાયલી નજીક આવેલા રાયપુરામાં મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગની 126 લોકોને અસર થતાં બાલકૃષ્ણ પટેલ(ઢોલાર) સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયા હતા. ડોક્ટર અને ગ્રામજનો સાથે આ ઘટનાની ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...