ઠગાઇ:સિંગાપોર જવા પત્ની-માતાના દાગીના ગિરવી મૂકી લીધેલા 2.20 લાખ પડાવ્યા

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નોકરી અપાવવાનું કહી ઠગાઇ કરનાર 3 સામે ફરિયાદ
  • મકરપુરાના યુવકને 1.30 લાખના પગારની લાલચ અાપી હતી

મંજૂસર જીઆઈડીસીની કંપનીમાં કામ કરતા યુવકને મહિને 1.30 લાખના પગારની નોકરી સાથે સિંગાપોર મોકલવાની લાલચ આપી 3 ગઠિયાએ 2.20 લાખ પડાવી લીધા હતા. મકરપુરા ગામમાં રહેતો સુરજ સિંગ (ઉ.વ.30) મંજુસરમાં નોકરી કરે છે. તેની કંપનીના કર્મચારીઓ અંદર અંદર વિદેશમાં નોકરી કરવાની વાત કરતા હતા. કંપનીના કર્મચારીઓ પાસેથી સુરજને આશિષ હર્ષદભાઈ બારોટ (રહે. સંસ્કાર દર્શન,જામ્બુવા બાયપાસ)નો નંબર મળતા તેણે વિદેશ નોકરી કરવા જવાની માહિતી મેળવી હતી.

વિદેશ જવાનો ખર્ચ વધુ હોવાથી સુરજે ના પાડી દીધી હતી. આશિષ અને સુરજની કંપનીમાં નોકરી કરતા સંજય ત્રિવેદીના ભાઈ હાર્દીકે સુરજના ઘરે પહોંચી તેના માતા-પિતાને સુરજને સિંગાપોર જવાનું જણાવ્યું હતું. જેથી સુરજ માની ગયો હતો. સિંગાપોર જવા સુરજે પત્ની અને માતાના દાગીના ગિરવી મૂકી અને અન્ય વ્યવસ્થા કરી સુરજે આશિષ બારોટના એકાઉન્ટમાં 2.20 લાખ જમા કરાવ્યાં હતાં. રૂપિયા જમા કરાવ્યાની સાંજે આશિષે સુરજના મોબાઈલ પર સિંગાપોરના વિઝા અને સિંગાપોરની કંપનીમાં ભરેલા રૂપિયાની રિસિપ્ટ પણ મોકલી હતી.

સુરજે ઓનલાઈન વિઝા ચેક કરતાં ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી આશિષ બારોટ અને મળતિયા હાર્દીક સુરેશભાઈ ત્રિવેદી (રહે. શ્રીકુંજ રેસિડેન્સી,જામ્બુવા), હર્ષ ઉર્ફે હાર્દીક રાવલ (રહે-ક્રિષ સોસાયટી,જાંબુવા) સુરજને સિંગાપોર ન મોકલી બહાના કાઢીને રૂા.2.20 લાખ પડાવી લેતાં સુરજે ત્રણેય વિરુદ્ધ મકરપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...