ઉપયોગી:બોર્ડની પરીક્ષામાં લહિયા માટે કેમ્પ યોજી 22ને મંજૂરી અપાઈ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીઇઓ દ્વારા વિવિધ પ્રકારના દિવ્યાંગો માટે આયોજન
  • વાલીઓ- વિદ્યાર્થીઓને બિનજરૂરી ધક્કા ખાવામાંથી મુક્તિ મળી

બોર્ડ પરીક્ષા આપનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રથમવાર કેમ્પ યોજાયો હતો. પરીક્ષામાં લહિયા આપવાની મંજૂરી માટે કેમ્પ યોજીને 22 વિદ્યાર્થીઓને સ્થળ પર મંજૂરી આપી દેવાઇ હતી. વિદ્યાર્થી-વાલીઓને લહિયાની મંજૂરી માટે ભટકવું ન પડે તે માટે ડીઇઓ કચેરીએ પ્રથમવાર સંસ્થાઓના સહયોગથી કેમ્પ યોજ્યો હતો. ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષા માટે દિવ્યાંગ વિદ્યાર્થી તેમજ જે વિદ્યાર્થીનો અકસ્માત થયો છે કે લખી નથી શકતા તેમને લહિયા એટલે કે રાઇટરની પરવાનગી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અપાય છે.

મંગળવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ફતેગંજ વિસ્તારમાં દીપક ફાઉન્ડેશનના સહયોગથી સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સ્થળ પર જ 22 જેટલા વિદ્યાર્થીઓને લહિયા માટેની મંજૂરી અપાઈ હતી. જેમાં ધોરણ 10ના 13 અને ધોરણ 12ના 9 વિદ્યાર્થીઓએ લહિયાની મંજૂરી માગી હતી.

જેમના જરૂરી દસ્તાવેજોના આધારે સ્થળ પર જ મંજૂરી આપી દેવાતાં વાલીઓને ડીઇઓ કચેરીનો ધક્કો ખાવામાંથી મુક્તિ મળી હતી. જે દિવ્યાંગ વિદ્યાર્થીઓને લહિયાની મંજૂરી અપાઈ હતી તે તમામ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીએ જણાવ્યું હતું. તાજેતરમા જ ડીઇઓ કચેરી દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષામાં એક વિદ્યાર્થીને અકસ્માતના પગલે હાથમાં ફ્રેક્ચર થયું હતું, તેને તાત્કાલિક ધોરણે લહિયાની મંજૂરી અપાઈ હતી.

30 વિદ્યાર્થીઓને લહિયાની મંજૂરી અપાઈ
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અત્યાર સુધી 30 લહિયાને મંજૂરી આપવામાં આવી છે. 14 માર્ચે બોર્ડની પરીક્ષા શરૂ થાય છે તે પહેલાં 13 માર્ચ સુધી લહિયા માટે મંજૂરી આપવામાં આવશે. લહિયા તરીકે ધોરણ 10ના વિદ્યાર્થી માટે ધોરણ 8 કે 9ના વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે, જ્યારે ધોરણ 12 માટે ધોરણ 11નો વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...