પાલિકાએ 2017માં સમિતિની જર્જરિત શાળા ઉતારવાના કામના 21.55 લાખ ખર્ચ ચૂકવવા પડશે. ઝોન લેવલે સંકલનનો અભાવ અને નાણાકીય મર્યાદામાં અટવાયેલી ખર્ચની દરખાસ્તને 5 વર્ષ બાદ સ્થાયીમાં રજૂ કરવામાં આવી છે. જર્જરિત ઇમારતોને ઉતારવા 2015માં દરખાસ્ત મૂકી નાણાકીય મર્યાદા 1 કરોડ રખાઈ હતી, પણ વાર્ષિક ઈજારો પૂર્ણ થતાં તેની સમય મર્યાદા વધારવા પુનઃ દરખાસ્ત કરી નાણાકીય મર્યાદા 20 લાખ રખાઈ હતી. દરમિયાન પૂર્વ ઝોનની 3 શાળાને ઉતારી લેવા ભલામણ કરી હતી.
જે અંતર્ગત અજબડી મિલ પાસેની વલ્લભાચાર્ય નગર પ્રા.શાળા ઉતારવા 23.32 લાખના અંદાજને મંજૂરી તેમજ નાણાકીય સમર્થન મેળવી ઇજારદારે ઇમારત ઉતારી હતી. જે બાદ ખર્ચ 21.55 લાખ થયો હતો. ઈજારાની નાણાકીય મર્યાદા પૂર્ણ થઈ હોવાથી ઓડિટ વિભાગે વાંધો લેતાં દરખાસ્ત અટવાઈ હતી. 5 વર્ષ બાદ તંત્રને બ્રહ્મજ્ઞાન થતાં હવે શાળાના 26 ઓરડાને ઉતારવાના રૂા.21.55 લાખ ચૂકવવાની દરખાસ્ત સ્થાયીમાં આવી હતી.
23.32 લાખના ખર્ચને કેવી રીતે મંજૂરી આપી?
વર્ષ 2017માં વાર્ષિક ઈજારાની નાણાકીય મર્યાદા 20 લાખ કરાઈ છતાં વહીવટી તંત્રે શાળા ઉતારવાના 23.32 લાખના ખર્ચને મંજૂરી કેમ આપી? આટલા વર્ષો બાદ કેમ દરખાસ્ત મુકાઈ? આ તમામ મુદ્દા તંત્રની કાર્યક્ષમતા સામે સવાલો ઊભા કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.