કાગળ મોંઘા થતા સ્ટેશનરીના ભાવ આસમાને પહોંચ્યા છે. નોટબુકમાં 20 ટકા ભાવવધારાના પગલે શહેર-જિલ્લાના 4 લાખ વાલીઓ પર અંદાજે 25 કરોડનો બોજો આવશે. રોજે રોજે વધી રહેલી કારમી મોંઘવારીમાં ભણવાનો ખર્ચો વધતાં વાલીઓ માટે પડતા પર પાટું સમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
પેપર, રો-મટિરિયલ, લેબર, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધવાથી સ્ટેશનરીના ભાવ વધ્યા છે. જેના કારણે વાલીઓ પર વધારાનો આર્થિક બોજો આવ્યો છે. વિવિધ કંપની-મેન્યુફ્રેક્ચરર દ્વારા એ-4, એ-5 અને સ્મોલ સાઇઝની નોટબુકના ભાવ વધારાયા છે. આ ભાવ વધારાથી શહેર-જિલ્લાના 4 લાખ જેટલા વાલીનો રૂા.700થી 800નો ખર્ચો વધતાં અંદાજે 25 કરોડ કરતાં વધારે બોજો આવશે. સતત વધતી મોંઘવારી વચ્ચે વાલીઓને ફી સહિત વાન, યુનિફોર્મના ખર્ચ સાથે નોટબુક-સ્ટેશનરીનો બોજો પણ આવશે. જૂન-જુલાઇમાં સ્ટેશનરીના ભાવ હજુ વધે તેવી શક્યતા છે. નોટબુકની સાથે પેન-પેન્સિલ, કલર, રબરના ભાવ પણ વધ્યા છે.
સ્ટેશનરી | જૂના ભાવ | નવા ભાવ |
એ-4 320 પાના | 100-120 | 120-140 |
એ-5 સિંગલ લાઇન | 50-65 | 65-75 |
એ-5 ડબલ લાઇન | 50-65 | 65-75 |
એ-5 સ્કેવર | 50-65 | 65-75 |
એ-5 ફોર લાઇન | 50-65 | 65-75 |
સ્મોલ 80 | 20-25 | 25-30 |
એ-4 ડ્રોઇંગ બુક | 30-45 | 35-40 |
એ-3 ડ્રોઇંગ બુક | 25-35 | 30-40 |
પેન્સિલ | 40-50 | 55-60 |
રબર | 18-20 | 25-30 |
કલર | 30-40 | 45-60 |
નોટબુકમાં વપરાતા મેપલિથો પેપરની કિંમત વધી
મેપલિથો (વર્જિન) પેપર જેનો ઉપયોગ નોટબુક માટે કરાય છે તેના ભાવ વધ્યા છે, જેથી નોટબુકના ભાવોમાં 20 ટકા વધારો છે. રબર, પેન્સિલ કલરના ભાવ પણ વધ્યા છે. - નરેશ શાહ, પ્રમુખ, બુક એન્ડ સ્ટેશનરી એસોસિયેશન, ગુજરાત
રૂા.2 હજાર ખર્ચ વધી જશે
સ્કૂલમાં ફીની સાથે સ્ટેશનરીનો ખર્ચ વધ્યો. 2 સંતાન માટે ગત વર્ષે 3 હજાર ખર્ચ થયો હતો, હવે 2 હજાર વધુ થશે. - હર્ષીલ પરીખ, વાલી
સરકાર ભાવ કાબૂમાં રાખે
નોટબુક-સ્ટેશનરીનો ખર્ચ વધતાં વાલીઓની હાલત કફોડી બનશે. સરકારે ભાવ કાબૂમાં રાખવા જોઇએ. - કિશોર પીલ્લાઇ, પ્રમુખ, વીપીએ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.