પર્સનલ લોન અપાવવાના નામે મિલકતના બોગસ વેલ્યુએશન રિપોર્ટ દ્વારા ચોલામંડલમ ફાઇનાન્સ કંપની સાથે રૂા.7.70 કરોડની ઠગાઇ કરવાના કેસમાં બે આરોપીએ આગોતરા જામીન અરજી તેમજ ત્રણ આરોપીએ રેગ્યુલર જામીન અરજી મુકી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યાં બાદ તમામ અરજી નામંજૂર કરી હતી.પર્સનલ લોનના નામે મિલકતના બોગસ વેલ્યુએશન રિપોર્ટ થકી 34 જણાંને ચોલામંડલમ ફાઇનાન્સ કંપનીના સેલ્સ મેનેજર, ક્રેડિટ મેનેજર સહિત 22 જણાંએ બારોબાર હોમ લોન અપાવી કંપની સાથે રૂા.7.70 કરોડની છેતરપિંડી કરી હતી.
આ બનાવમાં ગોત્રી પોલીસે સૂત્રધાર મનાતા રમાકાંત જયસ્વાલ, સન્ની ઠક્કર અને આકાશ ફૂલવાણીની અગાઉ ધરપકડ કરી હતી. આ બનાવમાં 34 જણાંને લોન અપાઈ હતી. જ્યારે તપાસમાં ખુલવા પામ્યું હતું કે, ચોલામંડલમ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના કર્મચારી અને એજન્ટોએ ખોટા ગ્રાહકો ઊભા કરી લો પ્રોફાઈલ વાળી મિલકતની વેલ્યુએશન ઊંચી બતાવી લોન મેળવી કેટલીક લોનની રકમ બિલ્ડરના ખાતામાં જમા કરી બાકીની રકમ ફ્રિ-લાન્સર એડિશનલ વર્ક કોન્ટ્રાક્ટરના ખાતામાં જમા કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.
કેસમાં રમાકાંત જયસ્વાલ, સન્ની ઠક્કર અને આકાશ ફૂલવાણીએ રેગ્યુલર તો કમલ ધામેજાની તેમજ વેલ્યુઅર ધર્મેન્દ્ર શાહે આગોતરા જામીન અરજી મુકતા સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યાં હતા. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળ્યાં બાદ તમામ અરજદારની અરજી નામંજૂર કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.