ત્રીજી લહેરથી બાળકોને બચાવવાની તૈયારી:અમદાવાદમાં નવા 40-40 બેડના 2 વોર્ડ, વડોદરામાં પ્લે સેન્ટર જેવા વોર્ડ તૈયાર અને સુરતમાં ડૉક્ટરોની ટાસ્ક ફોર્સ

વડોદરાએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાળ દર્દીઓનું મન અન્યત્ર વળે તે માટે દીવાલો પર પેઇન્ટિંગ બનાવાઈ રહ્યાં છે. - Divya Bhaskar
બાળ દર્દીઓનું મન અન્યત્ર વળે તે માટે દીવાલો પર પેઇન્ટિંગ બનાવાઈ રહ્યાં છે.
 • 0થી 15 વર્ષ સુધીનાં બાળકો માટે વિશેષ તકેદારી
 • રિકવર થતા બાળ દર્દીઓ હતાશ ન થાય તે માટે ટોયરૂમ તૈયાર, ટીવી મુકાશે
 • વડોદરામાં બાળદર્દીઓ માટે પ્લે સેન્ટર જેવા કોરોના વોર્ડ બનાવવામાં આવ્યા

કોરોનાના ત્રીજા વેવમાં બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર-જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં અને તબીબો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આઇસીયુ બેડની સંખ્યા વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ત્યારે સરકારી હોસ્પિટલો એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં પણ વિશેષ તૈયારીઓ શરૂ કરાઇ છે. આ બંને સરકારી હોસ્પિટલોમાં આઇસીયુમાં વિશેષ પેઇન્ટિંગ્સ-ડ્રોઇંગ્સ તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યારે રિકવરી રૂમમાં બાળકોને ગમતા વિવિધ રમકડાઓ અને એક રૂમમાં ટીવી મૂકવામાં આવ્યું છે.

આ નવી ક્ષમતા માટે હોસ્પિટલોને જરૂરી વેન્ટિલેટર, હાઇફ્રિકવન્સી કેનોલા, મલ્ટીપેરા અને સીપેપ તથા ઇન્ફ્યુઝન પંપ જેવા સાધનો રાજ્ય સરકાર પાસે મંગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત હોસ્પિટલ પાસે ફાયર એનઓસી છે કે નહીં, કોરોનાના બાળદર્દીઓ હોસ્પિટલ કે તબીબ દાખલ કરવા માગે છે કે નહીં તેની પણ માહિતી પૂછવામાં આવી રહી છે.

તબીબોએ જિલ્લા પ્રશાસનની પણ મદદ આ તમામ બાબતોમાં માગી હોવાનું જાણવા મળે છે. વડોદરામાં હાલમાં ખાનગી હોસ્પિટલમાં 2000 જેટલા બેડ બાળકો માટેના છે. અને સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા 50થી વધારીને 200 કરવામાં આવી રહી છે. ત્રીજા વેવમાં કેટલા બાળદર્દીઓ આવી શકે છે તેની શક્યતા માટે હાલમાં તબીબોમાં સરવે ચાલી રહ્યો છે.

વોર્ડની દીવાલો પર બાળકોને ગમેે તેવાં પેઈન્ટિંગ કરાયાં
એસએસજી હોસ્પિટલના બાળ વિભાગના ડો.શીલા ઐયરે જણાવ્યું કે, ‘ બાળદર્દીઓ રિકવર થાય ત્યાર બાદ તેમને ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (ડીઆઇસી)અને ન્યૂટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર (એનઆરસી)માં મૂકવામાં આવે છે. ત્યાં અમે બાળદર્દીઓને ધ્યાનમાં રાખીને ડીઆઇસીમાં રમકડા મૂક્યાં છે. ત્યાં એક ટેલિવિઝન પણ મૂકવામાં આવ્યું છે. આઇસીયુમાં આમ ન કરી શકાય પણ જે બાળકોને કોરોના મટ્યા પછી મેડિકલી દેખરેખ રાખવા માટે તેમને અહીં રખાય છે. ત્યારે તેમનું મન અન્યત્ર વળે તે માટે આ ફેરફાર કરાઈ રહ્યો છે.’

ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ થર્ડ વેવની સારવારનો ધમધમાટ
રાજકોટ

 • ખાનગી તબીબોએ સિવિયર અને ક્રિટિકલ કેસ માટે અલગ અલગ હોસ્પિટલોની ભલામણ કરી છે. જ્યાં આઇસીયુ હશે ત્યાં માઇલ્ડ કેસની સારવાર નહીં થાય.
 • હાલમાં સિવિલમાં બાળકો માટે 15 બેડ છે અને આઇસીયુ બેડ 5 છે જેની સંખ્યા વધારીને 200 કરવામાં આવશે.જેથી વધુ દર્દી આવે તો સારવાર થઇ શકશે.
 • ઓક્સિજન માટે 3 મોટા પ્લાન્ટ સિવિલમાં જ બનતા મોટાભાગની જરૂરિયાત પૂરી થઇ જશે.

સુરત

 • ત્રીજા વેવની તૈયારીઓ માટે સુરત સિવિલ હોસ્પિ.માં સ્ટેમસેલ બિલ્ડિંગમાં 7માં માળે બાળકો માટે અલાયદા 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી.
 • 5 પીડિયાટ્રિશિયન્સની વિશેષ ટાસ્કફોર્સ ટીમ તૈયાર કરાઇ છે. આ ટાસ્ટફોર્સ થર્ડ વેવમાં કેવી રીતે સારવાર કરાશે તેનું માર્ગદર્શન અપાશે.
 • બાળકો માટે જરૂરી આઈસીયુ, વેન્ટીલેટર, વોર્ડ, બેડ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ રહી છે.

અમદાવાદ

 • જૂની સિવિલ હોસ્પિટલમાં 40-40 બેડના બે વોર્ડ બાળકો માટેના છે. આ વોર્ડમાં તમામ સાધનો અને દવાઓ સાથે સજ્જ કરાયા છે.
 • હોસ્પિટલના એઆઇસીયુ અને પીઆઇસીયુના 60 બેડ સજ્જ કરાયા છે. અહીં જરૂરી સ્ટાફ પણ મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
 • હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકો માટેના 50 વેન્ટિલેટર્સ નવા મંગાવાયાં છે. હાલમાં બાળકો માટેના 60 વેન્ટિલેટરોનો જથ્થો હોસ્પિટલ પાસે અગાઉથી છે જ.
અન્ય સમાચારો પણ છે...