કોપીરાઇટ ભંગની ફરિયાદ:વડોદરાના મંગળ બજારમાં પરવાના વિના બ્રાન્ડેડના કંપનીના બેલ્ટ અને પર્સ વેચતા 2 વેપારી ઝડપાયા, 1.13 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મંગળ બજાર(ફાઇલ તસવીર) - Divya Bhaskar
મંગળ બજાર(ફાઇલ તસવીર)
  • પોલીસે કોપીરાઇટ એક્ટ 63 અને 65ના ભંગ બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના બેલ્ટ(પટ્ટા) અને પર્સનું વેચાણ કરનાર બે દુકાન સંચાલકોને સિટી પોલીસે ઝડપી પાડ્યા હતા અને 1.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 2 આરોપીની કોપીરાઇટ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.

પોલીસે 252 બેલ્ટ અને 808 પર્સ કબજે કર્યાં
મુંબઈ સ્થિત ખાનગી કંપનીમાં ફરજ બજાવતા મેહુલ ધોલેની ફરિયાદના પગલે સિટી પોલીસે મંગળ બજાર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. મંગળ બજાર વિસ્તારમાં આવેલી દુકાન નં-103 ક્રિષ્ના સ્ટોર તથા દુકાન નં-9 માય ફેશન આર્ટ્ બેલ્ટ એન્ડ પર્સ નામની દુકાનોમાંથી લીવાઇસ કંપનીના અલગ-અલગ રૂપિયા 32,760ની કિંમત ધરાવતા 252 નંગ બેલ્ટ તથા 80,800 રૂપિયાની કિંમત ધરાવતા 808 નંગ પર્સ મળી કુલ 01,13,560 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કોપીરાઇટ એક્ટ ભંગ બદલ કાર્યવાહી
ગેરકાયદે લીવાઇસ કંપનીના બેલ્ટ અને પર્સનું વેચાણ કરનાર દુકાન સંચાલક જીતેન્દ્ર હાશાનંદ મંજાણી(રહે, વિદ્યાનગર સોસાયટી, ધોબી તળાવ પાસે, વારસિયા, વડોદરા) અને રાકેશ રમેશભાઈ પંજાબી(રહે, ગુરુદેવ વાટિકા, સમા-સાવલી રોડ, વડોદરા ) વિરૂદ્ધ કોપીરાઇટ એક્ટ 63 અને 65ના ભંગ બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં જ ડુપ્લિકેટ રેડીમેડ કપડાં વેચતો શખસ ઝડપાયો હતો
11 દિવસ પહેલા જ વડોદરા શહેરની ગ્રાન્ડ મરક્યુરી હોટલમાં 90 ટકા ડિસ્કાઉન્ટની લોભામણી ઓફર આપીને બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ રેડીમેટ કપડાંનું વેચતા શખસ મુકેશ ગ્યારસીલાલ કેડિયાને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ડુપ્લિકેટ જીન્સ અને ટી-શર્ટ સહિતનો 8.54 લાખ રૂપિયાની કિંમતનનો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

90 ટકા ડિસ્કાઉન્ટ કપડા વેચતો હતો
આ શખસ ઇન્ટરનેશનલ બ્રાન્ડના નામે ડુપ્લિકેટ કપડા 90 ટકા ડિસ્કાઉન્ટમાં વેચતો હતો. જોકે, પોલીસને સાથે રાખીને તપાસ કરતા તમામ કપડા ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું હતું અને તે લીવાઇસ કંપનીના પરચેસ બિલ પણ રજૂ કરી શક્યો નહોતો. જેથી 465 ટી-શર્ટ, 97 જીન્સ, 234 લેડીસ ટોપ અને 100 જોડી શુઝ અને 29 જેકેટ સહિત કુલ 8.54 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. નેત્રિકા કન્સલ્ટીંગ પ્રા.લિ.માં નોકરી કરતા એક્ઝિક્યુટિવ આઇપીઆર વિનાયક ઘનશ્યામ વલવૈકરની ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે કોપીરાઇટ એક્ટના ભંગનો ગુનો નોંધ્યો હતો અને આરોપી મુકેશ કેડિયાની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...