ક્રાઈમ:ગોત્રીમાં કબ્રસ્તાનની ઓરડીમાંથી દેશી દારૂની પોટલીઓ ભરેલા 2 કોથળા મળ્યા

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા અને પોલીસની ટીમ ગેરકાયદે બાંધી દીધેલી ઓરડી તોડવા ગઈ હતી
  • ગેરકાયદે બાંધકામ તોડવા સભામાં રજૂઆત થઈ હતી : કોઈ રમત કરાયાની પોલીસને શંકા

બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ શહેર પોલીસે દેશી દારૂના ધંધા પર આકરી તવાઈ લાવી હતી તેવામાં શહેરના ગોત્રી વિસ્તારના તળાવના ખુલ્લા સ્થળમાં આવેલા કબ્રસ્તાનની જગ્યામાં કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડવા ગયેલી પાલિકા અને પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી થાય તે પહેલાં ગેરકાયદે બાંધેલી ઓરડીમાંથી દેશી દારૂનાં બિનવારસી બે પોટલાં મળી આવતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. આ સંબંધમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ પ્રકરણ પાછળ કોઈએ પોટલીઓ પ્લાન્ડ કરી હોવાનું પોલીસનું અનુમાન છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોત્રી તળાવ ખાતે સરકારી જમીનમાં ઊભા કરાયેલા કબ્રસ્તાનમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની અનેકવાર રજૂઆતો થઈ હતી અને આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ પાલિકાની સભામાં રજૂઆત કરી હતી. જેે બાદ પાલિકાની ટીમે સશસ્ત્ર પોલીસ સાથે દબાણ હટાવવા માટે નિર્ણય કર્યો હતો. કબ્રસ્તાનમાં બાંધેલી ગેરકાયદે ઓરડી તોડવાની કામગીરી હાથ ધરાય તે દરમિયાન ભાજપના કોર્પોરેટર અને તેમના ટેકેદારો સ્થળ પર પહોંચ્યા હતા. દરમિયાન ગેરકાયદે ઓરડીમાંથી દેશી દારૂની પોટલીઓ ભરેલા બે કોથળા મળતાં પોલીસની હાલત કફોડી બની હતી.

નોંધનીય છે કે, એક બાજુ બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પોલીસ ઠેર ઠેર દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી રહ્યા છે ત્યારે કબ્રસ્તાનની ગેરકાયદે ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેરકાયદે ઓરડી તોડવાનું કામ બાજુ પર રહી ગયું હતું અને દેશી દારૂના જથ્થા અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, બિનવારસી દારૂ મળ્યો છે, પણ આ આખા પ્રકરણ પાછળ કોઈકની રમત હોય તેવું લાગે છે, કારણ કે આ વિસ્તારમાં દેશી દારૂનો કોઈ ધંધો કરતું નથી.

ટોચના પોલીસ અધિકારી દોડ્યાગોત્રી કબ્રસ્તાન પાસેના ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને દેશી દારૂની બિનવારસી પોટલીઓ મળતાં પોલીસ તંત્રમાં અફરાતફરી મચી હતી. જો. સીપી ચિરાગ કોરડિયા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગહન તપાસ કરી આસપાસના વિસ્તારમાં શંકાસ્પદ લાગતાં લોકોની પૂછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...