ધરપકડ:ટેસ્ટ ડ્રાઇવના બહાને કાર લઈ ભાગેલા 2 રાજસ્થાની ઝડપાયા

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોશિયલ મીડિયા પર કાર વેચવા મૂકતાં 2 ગઠિયા ખરીદવા આવ્યા
  • પોલીસે​​​​​​​ રાજસ્થાની વેશ ધારણ કરી કોટાથી ગઠિયાને પકડી પાડ્યા

વિદ્યાનગરમાં જનસેવા કેન્દ્ર ચલાવતા યુવકે સોશિયલ મીડિયા પર ઇકો કાર વેચવાની જાહેરાત મુકતાં રાજસ્થાનના બે યુવકો કારનો સોદો કરવા આવ્યા હતા અને ટેસ્ટ ડ્રાઈવના બહાને વડોદરા આવીને કાર માલિકને જમવા બેસાડી કાર લઇને ફરાર થઇ ગયા હતા. રેલવે એલસીબી પોલીસે ગહન તપાસ કરીને બંને આરોપીને કોટા ખાતેથી ઝડપી પાડયા હતા.

રેલવે એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ મુજબ વિદ્યાનગરમાં જનસેવા કેન્દ્ર ચલાવતાં દિલ્પેશ ભાટિયાએ ઇકો કાર વેચવા સોશીયલ મીડીયા પર જાહેરાત કરતાં કોટાના બલવીરસિંગ મીણા અને રવીકુમાર જાટ વિદ્યાનગર આવ્યા હતા. કાર જોઈને બલવીરસીંગે ટેસ્ટ ડ્રાઈવ માટે વડોદરા જવા કહ્યું હતું. રવી આણંદ રોકાયો હતો અને બલવીર અને અલ્પીત વડોદરા આવ્યા હતા.

ઇકો કારને રેલવે સ્ટેશનના પાર્કીંગમાં મુકી બંને સયાજીગંજમાં જમવા ગયા હતા. જયાં બલવીરે કહ્યું હતું કે મારે ઉપવાસ છે તમે જમી લો હું ફોન પર વાત કરી આવું છું. જમવાના રૂા.500 પણ બલવીરે આપ્યા હતા. એક કલાક સુધી બલવીર પાછો નહી આવતાં અને તેનો ફોન નહી લાગતાં અલ્પીત વડોદરા રેલવે સ્ટેશનના પાર્કીંગમાં જતાં ઇકો કાર ગાયબ હતી. જેથી અલ્પીતે વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રેલવે એલસીબીની ટીમ ફોન લોકેશનને આધારે કોટા પહોંચી હતી.

જયાં રેલવે પોલીસની ટીમે રાજસ્થાની વેશ ધરી બલવીરના ઘરની આસપાસ રેકી કરી હતી. બલવીરની પાકી ઓળખ થઇ જતાં પોલીસે બલવીરની કડક પુછપરછ કરતા તેણે ગુનાની કબુલાત કરી હતી. પોલીસે તેના સાગરીત રવી જાટની પણ અટ કરી હતી.

વેચાણના ટોકન પેટે ઠગ બલવીર મીણાએ રૂા.9000 આપી વિશ્વાસ જીતી ગાડી ચોરી
ઇકો કાર માલિકનો વિશ્વાસ જીતવા માટે આરોપી બલવીરે અલ્પીતને વેચાણના ટોકન પેટે રૂા.9000 રોકડા અને રૂા.10 હજારનો ચેક આપ્યાે હતો. જમ્યા પછી કાર વેચાણની ફાઇનલ કિંમત નક્કી થવાની હતી. પણ બલવીર અલ્પીત સાથે છેતરપીંડી કરીને કાર લઇને ફરાર થઇ ગયો હતો.

કાર એવા રસ્તે લઇને ગયા હતા કે છેક રાજસ્થાન ટોલ ટેક્સમાં નંબર નોંધાયો
રાજસ્થાનના આરોપીઓ અલ્પીતની કાર એવા રસ્તે લઇ ગયા હતા કે ગુજરાતના એકેય ટોલ ટેકસ નાકા પર કારના નંબરની નોંધણી થઇ ન હતી. છેક રાજસ્થાનના ટોલ ટેકસમાં કારના નંબરની નોંધણી થઇ હોવાનું સપાટી પર આવતાં પોલીસ કોટા તરફ તપાસ માટે ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...