રૂદ્ર ગેસ એજન્સીના જાસપુરના ગોડાઉનમાંથી 69 ઘરેલું અને કોમર્શીયલ ગેસ સિલિન્ડર લઈ નીકળેલા 2 ટેમ્પા ચાલકો ભીમપુરાથી અંપાડ વચ્ચે ગેસ રિફીલીંગ કરતા ઝડપાયા હતાં. તોલમાપ વિભાગની તપાસમાં 59 ઘરેલુ સિલીન્ડરમાંથી વજન ઓછું મળતાં પોલીસે 1.80 લાખના સિલિન્ડર સહિત 4.40 લાખની મતા કબજે કરી છે. રીફલીંગ કરતા પપ્પુરામ બિશ્નોઈ અને અનુપારામ રામલાલ બિશ્નોઈ (બંને રહે-અંપાડ)ને ઝડપી લીધા હતાં.
એસઓજીએ જ્યારે દરોડો પાડ્યો ત્યારે લીમડાના ઝાડ નીચે બે ટેમ્પા ઉભા હતાં. તેમાં ઘરેલું અને કોમર્શીયલ વપરાશના સિલિન્ડર ભરેલા હતાં. જમીન પર ઘરેલુ અને કોમર્શિયલ વપરાશના સિલિન્ડર સામસામે પડ્યાં હતાં. જેની વચ્ચે એલ્યુમીનીયમની પાઈપથી એક બોટલમાંથી બીજા બોટલમાં ગેસ ટ્રાન્સફર થઈ રહ્યો હતો.
પોલીસે બંનેની અંગજડતી લેતા ગેસના બોટલોની 36 નંગ પાવતીઓ મળી આવી હતી. પપ્પુરામ બિશ્નોઈનો ટેમ્પો તપાસ કરતા તેમાં એચપી કંપનીના 32 ઘરેલું સિલિન્ડર સીલબંધ હતાં. તેમજ ભારતગેસના 6 સિલિન્ડર કોમર્શીયલ સિલ વગરના હતાં. આમ ટેમ્પામાં કુલ 38 સિલિન્ડર મળી આવ્યાં હતાં. જ્યારે અનુપારામ બિશ્નોઈના ટેમ્પામાં 29 ગેસના સીલબંધ સિલિન્ડર હતાં. જેમાં 26 ઘરેલું સિલિન્ડર એચપી કંપનીના અને 3 કોમપર્શીયલમાં 1 એચપી અને 2 ભારત ગેસ કંપનીના બોટલો ભરેલા હતાં.
બંને આરોપીઓને સેવાસી પોલીસ ચોકી ખાતે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તોલમાપ વિભાગે તપાસ કરતા 59 ઘરેલું ગેસ અને 10 કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં ઓછું વજન મળી આવ્યું હતું. પોલીસે પપ્પુરામ બિશ્નોઈ અને અનુપારામ બિશ્નોઈની ધરપકડ કરીને રૂા.1.80 લાખના સિલિન્ડર મળીને કુલ રૂા.4.40 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરૂધ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ગેસ રિફીલ કર્યા બાદ પાછું સીલ લગાવી દેતા
આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યુ હતું કે ઘરેલુ ગેસના સિલિન્ડર જાસપુરની રૂદ્ર ગેસ એજન્સીના ગોડાઉનમાંથી લઈને નિકળ્યાં હતાં. જ્યારે ભારત ગેસના કોમર્શીયલ સિલિન્ડર તેમની માલિકીના હતાં. જેનું બિલ લેવા માટે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી રૂદ્ર ગેસ એજન્સીની ઓફિસમાં જતા હતાં. તે દરમિયાન ભીમપુરા ચોકડીથી અંપાડ જવાના રસ્તે કોઈ અવર-જવર ન હોવાથી ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી કોમર્શીયલ સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરતા હતાં. તેમજ ઘરેલું સિલિન્ડરને પાછુ સીલ મારી દેતા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.