શહેરમાં વારંવાર રખડતા ઢોરના કારણે નાગરીકો ભોગ બને છે. જેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ખોડિયારનગરથી આગળ જતા રસ્તા પર ગાય આડી આવતા બે વિદ્યાર્થિનીઓનો અકસ્માત સર્જાયો હતો. જેમાંથી એકને ગંભીર ઈજા પહોંચી છે તો અન્યને સામાન્ય ઈજા થઈ છે. બુધવારે બપોરે 1.30 વાગ્યા આસપાસ બન્ને યુવતીઓ એમએસયુમાં જઈ રહી હતી. તે સમય દરમિયાન પ્રાણાયામ હોસ્પિટલ પાસે ત્રણ રસ્તા પર ગાય દોડી આવતા વાહન પર સંતુલન ગુમાવ્યું હતુ અને બન્ને વાહન પરથી પડ્યા હતા.
બન્નેને એસ.એસ.જી ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બન્નેની આવતી કાલથી પરીક્ષા શરૂ થઈ રહી હતી. જેમાંથી તુલસીને સામાન્ય અને અમિષાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે મહાનગર પાલિકાએ નિર્ણય લઈને રખડતા ઢોરને પકડવા માટે ટેગીંગની પ્રક્રીયા માટે એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી આજે પણ 10 ટકા જેટલી બાકી રહી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને શંકાઓ ઉભી થઈ રહી છે. ઢોરને લઈને રાજ્યસરકારમાં એક બીલ પાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને શહેરી વિસ્તારમાં ઢોર રાખવા મુદ્દે કેટલાક કાયદાઓ બનાવવામાં આવ્યા હતા. જેના થોડા જ સમયમાં આ કાયદાને પાછો ઠેલવી લેવામાં આવ્યો હતો.
અચાનક ગાય દોડતી આવી અને મોપેડ સ્લીપ થયું
અમે દરરોજ આ રસ્તાથી જ જઈએ છીએ અને દરરોજ ગાય અહીંયા હોય છે. આજે અમે નીકળ્યા ત્યારે ગાય દોડતી આવી અને અમારું મોપેડ સ્લીપ થઈ ગયું. > અમિષા મેવાડા, ઇજાગ્રસ્ત
ઢોરોને પકડવાની આવક 32 લાખ, જાવક 86 લાખ
શહેરમાં પાલિકાએ કરોડો રૂપીયાના ખર્ચે ઢોરને પકડવાની કામગીરી કરી હોવાનો ખુલાસો એક સામાજીક કાર્યકરે કરેલી આરટીઆઈના પ્રત્યુત્તરમાં થયો છે. એક વર્ષમાં 4638 ઢોરને પકડી લેવામાં આવ્યા છે. જેમાંથી 32.03 લાખની આવક પાલીકાને થયેલી છે. રખડતા ઢોરને પકડવા અને તેની વિડીયોગ્રાફી સહિતનો 27.97 લાખનો ખર્ચ થયો છે. જ્યારે સિક્યોરીટી માટે 58 લાખનો ખર્ચ પાલિકાએ 2020થી 2022 સુધીમાં કરેલો છે.
માલિકો પશુધનની કાળજી રાખે
રખડતા ઢોરના કારણે બનેલી ઘટના દુખદાયક અને કમનસીબી છે અને પશુધનના માલિકોને અપીલ કરીએ છીએ કે પોતાના પશુધનની કાળજી રાખે.> ડૉ.હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતી અધ્યક્ષ
મેયર પોલિસી બનાવે : વિપક્ષ
રખડતા ઢોરથી મુક્તિ માટે મેયરે એક વર્ષ પહેલા કમિટમેન્ટ આપ્યું હતુ. મેયર હવે ધારાસભ્ય થયા છે ત્યારે પોલીસી બનાવી અમલ કરાવે તો આવી ઘટનાથી બચી શકાશે. > અમી રાવત, વિપક્ષ નેતા
ઢોરની અડફેટે આટલા લોકો ઘાયલ થયા
વાઘોડિયા રોડ પર યુવકે આંખ ગુમાવી
સમા સાવલી રોડ પર બે યુવક ઈજાગ્રસ્ત થયા
અલકાપુરીમાં વાહનચાલક ઘાયલ
9 વર્ષની બાળકીની આંખે 7 ટાંકા
નિઝામપુરામાં ગાયની અડફેટે વૃદ્ધને મલ્ટિપલ ફ્રેક્ચર થયા
કિશનવાડીમાં મહિલાને માથે 9 ટાંકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.