તપાસ:ભેજાબાજ બિલ્ડર અપૂર્વ પટેલ સામે છેતરપિંડીની વધુ 2 ફરિયાદ નોંધાઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અપૂર્વ પટેલ - Divya Bhaskar
અપૂર્વ પટેલ
  • પોલીસે સરળતાથી જામીન મળે તેવી કલમો લગાવ્યાનો આક્ષેપ
  • રાજકીય લેબલ હટી જતાં પોલીસ સક્રિય થઈ ને SITની રચના કરી દેવાઇ

મકાન આપવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ઠગ બિલ્ડર અપૂર્વ પટેલનું રાજકીય લેબલ હટી જતાં પોલીસ એક્શનમાં આવી છે. એસઆઇટીની રચના બાદ માંજલપુર પોલીસ મથકે શનિવારે 2 ફરિયાદો નોંધાઇ હતી. જોકે પોલીસે ગંભીરને બદલે બિલ્ડરને આસાનીથી જામીન મળે એવી સામાન્ય કલમો લગાવી હોવાનો આરોપ ફરિયાદીઓએ લગાવ્યો છે.

સિદ્ધિ વિનાયક ડેવલપરના નામે અપૂર્વ પટેલ અને પત્ની ભૈરવી દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ સ્કીમ મૂકી હતી, જેમાં મેપલ વિલા, મેપલ મિડોઝ, મેપલ સિગ્નેચર જેવી યોજનાઓમાં બંગલા, ફ્લેટ અને દુકાનોનું આયોજન કરી બુકિંગ અને વેચાણના નામે મોટી-મોટી રકમો લોકો પાસેથી લીધી હતી. બાદમાં ઠગ દંપતીનું પોત પ્રકાશ્યું હતું અને એક જ મકાન બે લોકોને વેચીને અને મકાનો પર બારોબાર લોન લઈને તેમજ બુકિંગના નામે રૂપિયા લીધા હોવા છતાં બાંધકામ ન કરીને અનેક લોકોને છેતર્યા હતા.

બીજી તરફ લાંબા સમયથી ભોગ બનેલા લોકોની ફરિયાદ નોંધવામાં પણ પોલીસ આનાકાની કરતી હતી.જોકે ગૃહ મંત્રી અને રાજ્યના પોલીસ વડા સામે રજૂઆત બાદ પોલીસ કાર્યરત થઈ હતી. એ મુજબ સિટની રચના બાદ માંજલપુર પોલીસ મથકે શનિવારે 2 ફરિયાદો નોંધાઈ હતી. જેમાં એડવોકેટ ઉર્વીશ શૈલેષભાઈ પટની તેમજ રિદ્ધિ મકવાણાએ અપૂર્વ દિનેશભાઈ પટેલ સામે છેતપિંડીની ફરિયાદ નોંધાવી છે.

બંને ફરિયાદોમાં છેતરપિંડીની અલગ-અલગ રીત હોવા છતાં ઇપીકો નંબર 406, 420 મુજબ ગુનો નોંધ્યો છે, જેને લઇ ફરિયાદીઓમાં અસંતોષ વ્યાપ્યો છે. જોકે પોલીસે તપાસમાં જરૂરી લાગશે તો બીજી કલમોનો ઉમેરો કરવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વધુ ને વધુ છેતરાયેલા લોકો પોલીસ ફરિયાદ કરવા આગળ આવશે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

‘ગંભીર કલમો નહીં ઉમેરાય તો અમારે અદાલતમાં જવું પડશે’
એડવોકેટ ઉર્વીશ પટનીએ જણાવ્યું છે કે, પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં મેં સ્પષ્ટપણે 409 મુજબની ફરિયાદ આપી હોવા છતાં 406, 420 મુજબની સામાન્ય કલમો લગાવી છે. તપાસમાં ગંભીર કલમો નહિ ઉમેરાય તો અમારે અદાલતમાં જવું પડશે, એમ ઉર્વીશભાઈએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...