વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના ભિમનાથ મંદિરના ખાડામાં રહેતો 27 વર્ષીય સોનુ સખારામ ખેડેકર રિક્ષા ચલાવે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, બાઈક ખરીદવા માટે હિતેશ ઉર્ફે રાજુ કનુભાઈ સથવારા (રહે. ચંદ્રમોલેસ્વરનગર, ગોત્રી) પાસેથી 15 ટકા વ્યાજે 10 હજાર રૂપિયા લીધા હતા. રોજ રૂ. 200 લેખે 65 દિવસમાં વ્યાજ સાથે 13000 ચૂકવવાનું નક્કી કર્યું હતું. જોકે, વ્યાજના રૂપિયા વહેલી તકે ચૂકતે થાય તે માટે પ્રતિદિન રૂ. 600 લેખે ચુકવણી કરતો હતો.
હિતેશ સથવારાએ ઉઘરાણી માટે યશ કિરીટભાઈ જાની(રહે. સંસ્કારનગર, ગોત્રી રોડ)ને નોકરી પર રાખ્યો હતો અને તે ગોત્રી તળાવની સામે બાંકડા ઉપર બેસી કલેક્શન કરતો હતો. દરમિયાન ભાડાની રિક્ષા ન રહેતા થોડા દિવસના હપ્તા ચુક્યો હતો. તે સમયે હિતેશે મને આંતરી રૂપિયા બાબતે ઉઘરાણી કરી પાઇપ વડે માર માર્યો હતો. વિનોદ નામના વ્યક્તિએ પણ હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ યસ તથા હિતેશ અવારનવાર બળજબરીપૂર્વક ઉઘરાણી કરતા હતા.
વ્યાજખોર સંજય મકવાણાને પાસા
ફતેગંજ પોલીસે સંજય જબુભાઈ મકવાણા(રહે. કલ્પવૃક્ષ સોસાયટી, છાણી રોડ)ની પાસા હેઠળ અટકાયત કરીને રાજકોટ જેલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, ગત સપ્ટેમ્બર મહિના દરમિયાન આ આરોપી વિરુદ્ધ ફતેગંજ પોલીસ મથકમાં ખંડણી તથા નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં લાઇસન્સ વગર નાણા વ્યાજે આપી, બળજબરીથી ચેક કઢાવી, કોર્ટના ધક્કા ખવડાવવાની ધમકીના આક્ષેપ છે.
ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વધુ 2 ઝડપાયા
ગોત્રી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, સ્વામિનારાયણ મંદિર નજીક એક વ્યક્તિ પોતાના સ્કૂટરની ડેકીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી બાતમી મુજબના શખ્સને ચાઈનીઝ દોરીની 7 રીલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી અયુબખાન મુનીરખાન પઠાણ (રહે. મહાબલીપુરમ ગેટ, તાંદલજા) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ચાઈનીઝ દોરીની રીલ અને સ્કૂટર સહિત રૂ. 52,800નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં વાડી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, ચિત્તેખાનની ગલીના નાકા પાસે એક વ્યક્તિ ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા કાળીદાસ ઉર્ફે કાળીયો બાબુભાઈ રાઠોડિયા ( રહે - રાઠોડિયાવાસ, સોમાતળાવ )ને ચાઈનીઝ દોરીની 6 રીલ સાથે ઝડપી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.