તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વડોદરામાં બેંક ઓફ બરોડાના નિવૃત ક્લાર્ક સાથે 2 લાખની ઠગાઇ, બેંક કર્મચારીની ખોટી ઓળખ આપી ગઠિયો નાણાં લઇને રફુચક્કર થઇ ગયો

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બેંકના નિવૃત ક્લાર્કની ફરિયાદના આધારે પોલીસે ફરાર ગઠિયાની શોધખોળ શરૂ કરી

વડોદરા શહેરમાં બેંક ઓફ બરોડાની માંડવી શાખામાં બેંકના નિવૃત ક્લાર્ક સાથે 2 લાખની ઠગાઇ થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બેંક કર્મચારીની ખોટી ઓળખ આપી ગઠિયો નિવૃત ક્લાર્કના બે લાખ રૂપિયા લઇને રફુચક્કર થઇ ગયો હતો. આ મામલે નિવૃત ક્લાર્કે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ચેક ભરવામાં મદદ કરી ગઠિયાએ વિશ્વાસ કેળવ્યો
વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલા અર્થ આઇકોનમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધ ભાસ્કરરાઇ ધીરજલાલ સુથાર બેંક ઓફ બરોડામાં ક્લાર્ક તરીકેની ફરજમાંથી નિવૃત જીવન ગુજારી રહ્યા છે. 9 સપ્ટેમ્બરના રોજ તેઓ માંડવી ખાતેની બેંક ઓફ બરોડાની શાખામાં પોતાના નાણાં એફડી કરાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં ચેક ભરતી વખતે અજાણ્યા હિન્દી ભાષી ગઠિયાએ સ્ટાફમાં હોવાનું જણાવી ચેક ભરવામાં મદદ કરી વિશ્વાસ કેળવ્યો હતો. જે ચેક વડે કાઉન્ટર ઉપરથી રોકડા બે લાખ ઉપાડ્યા હતા.

નાણાં જમા કરવવાના બહાને ગઠિયો રફુચક્કર થઇ ગયો
મોટી માત્રામાં પોતાની પાસે રકમ હોવાથી ગભરામણ થતા એફડી કરાવવાના સ્થાને બેંકમાં પરત જમા કરાવવાનો વિચાર આવ્યો હતો. આ દરમિયાન પણ ગઠિયાએ રકમ લઇને મદદના બહાને કાઉન્ટર ઉપર પૈસા જમા કરવાનો ઢોંગ કર્યો હતો અને પરત આવી નાણાં જમા કરાવ્યાની સ્લીપ બતાવી હતી અને તે સ્લીપની ઝેરોક્ષ કાઢીને પરત આવવાનું જણાવી પલાયન થઈ ગયો હતો. આ મામલે નિવૃત ક્લાર્કે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગુનો નોંધીને સિટી પોલીસે ગઠિયાની શોધખોળ શરૂ કરી છે.

આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે
આ પહેલા પણ વડોદરા શહેરમાં ગઠિયાઓ દ્વારા લોકોને મદદ કરવાના બહાને નાણાં લઇને રફુચક્કર થઇ જવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર બેંકના જ નિવૃત ક્લાર્ક સાથે 2 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે. જેથી આવા ગઠિયાઓથી લોકોએ સાવાધાન રહેવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...