વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ પર છેલ્લા 20 દિવસથી રોજ 2 કિ.મી. લાંબો ટ્રાફિકજામ થાય છે. જાંબુવા બ્રિજથી આગળ આવેલા જાંબુવા નદી પરના બ્રિજ પર ખાડા પડી જતા હેવી વાહનો ધીમા ચાલતા હોવાથી અહીં ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળે છે. આજે હાઈવે પરના ટ્રાફિકજામમાં દર્દીને લઈને જઈ રહેલી એક એમ્બ્યુલન્સ અડધો કલાક સુધી ફસાઈ ગઈ હતી. જેના કારણે દર્દીઓના સગાઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. છેલ્લા 20 દિવસથી ટ્રાફિકજામ થતો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
રોજ સવારે 4થી 5 કલાક સુધી ટ્રાફિકજામ થાય છે
વડોદરા પાસે નેશનલ હાઇવે પર રોજ 2 કિ.મી. લાંબો ટ્રાફિકજામ થાય છે અને ક્યારેક તો તેનાથી પણ વધારે જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ સુધી ટ્રાફિકજામ થઈ જાય છે. રોજ સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી જાંબુવા બ્રિજ પાસે ટ્રાફિકજામ જોવા મળે છે. પીક અવરમાં રોજ ટ્રાફિકજામ થતો હોવા છતાં તંત્ર દ્વારા હાઇવે પર પડેલા ખાડા રિપેર કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વાહન ચાલકો રોજ પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતુ નથી.
ટ્રાફિકજામથી સ્થાનિકો પરેશાન
જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડુ થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખુબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.
રોજ એમ્બ્યુલન્સો ટ્રાફિકજામમાં ફસાય છે
જાંબુવા બ્રિજ પાસે નેશનલ હાઇવે નં-48 પર રોજ ટ્રાફિકજામ થતાં રોજેરોજ ક્રિટીકલ દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે. આજે સવારે પણ જાંબુવા બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સ અડધો કલાક સુધી બ્રિજ પર ફસાઈ ગઈ હતી. જેના કારણે દર્દીના પરિવારજનોના જીવ અદ્ધર થઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.