નજીવી બાબતે 2 લાફા મારી ફરિયાદીની આંગળી પર બચકું ભરી ટેરવું તોડી નાખવાના બનાવમાં સંડોવાયેલા 2 આરોપીને અદાલતે કસૂરદાર ઠેરવ્યા હતા. જોકે ન્યાયાધીશે બંને આરોપીને પ્રોબેશનનો લાભ આપી 2 વર્ષ સુધી સુલેહ શાંતિ જાળવવા અને સારી વર્તણૂક કરવાનું જણાવી પ્રોબેશન પર મુક્ત કર્યા હતા. ચુકાદામાં ન્યાયાધીશે આરોપી જો શરતોનું પાલન ન કરે તો 6 માસની સજાનો આદેશ કર્યો હતો. તેમજ ફરિયાદીને વળતર પેટે રૂા.5 હજાર ચૂકવવાનો આદેશ કર્યો હતો.બનાવ અંગેની વિગત એવી છે કે, અમરદીપસિંહ રાણાએ વર્ષ 2017માં રાવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી અરવિંદ પ્રજાપતિ તેમજ વેચાત રાઠવા સામે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યું હતું કે, તેમનું કામ રાજમહેલ રોડ પર આવેલી સોસાયટીમાં ચાલતું હતું તે સમયે બંને આરોપી આવ્યા હતા. તેમણે તમારે કામ નથી કરવાનું, તેમ કહી ગાળો આપી હતી અને આરોપી વેચાત રાઠવાએ 2 લાફા માર્યા હતા. જ્યારે અરવિંદ પ્રજાપતિએ હાથની આંગળી પર બચકું ભરી લેતાં ટેરવું આંગળીથી અલગ થઇ ગયું હતું. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશે બંને આરોપીને પ્રોબેશનનો લાભ આપ્યો હતો અને જો 2 વર્ષ દરમિયાન તેઓ સુલેહ શાંતિનો ભંગ કરે તો 6 માસની સજાનો આદેશ કર્યો હતો. તેમજ ફરિયાદી યુવકને રૂા. 5 હજાર વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.