શનિવારે શહેરમાં ઓમિક્રોનના વધુ 5 કેસ પોઝિટિવ આવ્યા છે. જે સાથે કુલ કેસની સંખ્યા 35 પર આવી પહોંચી છે. જોકે મહત્ત્વની બાબત એ છે કે, 5માંથી 4 દર્દીઓ નોન હાઇ રિસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે. તમામ 5 પૈકી એક દર્દી અમેરિકા પરત ફર્યો હોવાની માહિતી મળી છે. ઓમિક્રોન પોઝિટિવ 5 કેસમાં કતારથી 41 વર્ષનાં મહિલા 5 ડિસેમ્બરે વડોદરા આવ્યાં હતાં. તેઓનો એરપોર્ટ પર કોરોનાનો ટેસ્ટ કરાયો ન હતો. 25 ડિસેમ્બરે લક્ષણો જણાતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જ્યારે બીજા કેસમાં અમેરિકાથી વડોદરાના દરજીપુરામાં આવેલા 24 વર્ષના યુવકને 16 ડિસેમ્બરે લક્ષણો જણાયા બાદ તેનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે હાલમાં હોમ આઇસોલેશન હેઠળ છે. જ્યારે ત્રીજા કેસમાં સુભાનપુરામાં રહેતા સંબંધીને ઘરે આવેલી મૂળ બારડોલીની 21 વર્ષીય યુવતીમાં 28 ડિસેમ્બરે લક્ષણો જણાયાં હતાં, જેનો 29 ડિસેમ્બરે પોઝિટિવ આવ્યો હતો.
જોકે તે હાલ અમેરિકામાં છે. ચોથા કેસમાં યુકેથી માંજલપુરમાં આવેલાં 47 વર્ષીય મહિલા 28 ડિસેમ્બરે એરપોર્ટ પર પોઝિટિવ આવ્યાં હતાં. તેઓને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. 4 જાન્યુઆરીના રોજ તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે કેનેડાથી આવેલા 26 વર્ષીય યુવકનો એરપોર્ટ પર ટેસ્ટ કરાવ્યો ન હતો. તેને લક્ષણો જણાતાં 29 ડિસેમ્બરે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.