મુંબઇથી રિવોલ્વરનો સોદો કરવા માટે આવેલા શખ્સોને પોલીસે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા. આ બનાવમાં સંડોવાયેલા બે આરોપીએ આગોતરા જામીન અરજી મૂકતાં ન્યાયાધીશે બંને આરોપીની અરજી નામંજૂર કરી હતી. આ કેસની વિગત એવી છે કે, ગોલ્ડન ચોકડી પાસે પોલીસે ચેકિંગ દરમિયાન મુંબઇથી ટ્રાવેલ્સમાં આવેલા શખ્સોની જડતી લેતાં તેમની પાસેથી રિવોલ્વર અને કારતૂસ મળી આવ્યા હતા. તે બંનેની પૂછપરછમાં બંને શખ્સે તેમનાં નામ દીપેન અને પ્રમોદ હોવાનું જણાવ્યું હતું. પોલીસે રિવોલ્વર લેવા માટે આવેલા ચમીન ગોહિલની પણ સ્થળ ઉપરથી જ ધરપકડ કરી હતી.
આ ધરપકડો બાદ તેની ગહન તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેની તપાસમાં ખૂલવા પામ્યું હતું કે, દીપેન નામના શખ્સને શૈલેષ પાસે 1 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. આ 1 લાખ રૂપિયાને બદલે તેણે રિવોલ્વર આપતાં તેનો સોદો કરવા માટે તેઓ વડોદરા ખાતે આવ્યા હતા. આ ઉપરાંત તપાસમાં અન્ય આરોપીઓની પણ સંડોવણી સપાટી પર આવી હતી. દરમિયાન બાબુ મકવાણા અને રફીક હબીબાણીએ આગોતરા જામીન અરજી મૂકતાં ન્યાયાધીશે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ બંનેની અરજી નામંજૂર કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.