પ્રવેશની કાર્યવાહી:બહારના વિદ્યાર્થીની માગ બાદ 2 દિવસ પ્રવેશ પ્રક્રિયા કરી, છતાં માત્ર 35 અરજી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોમર્સ ફેકલ્ટીમાં શહેર બહારના વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી ફરીથી કરાઇ
  • પ્રથમ વર્ષ બીકોમની પ્રવેશ પ્રક્રિયા દિવાળી પહેલાં જ પૂરી કરી દેવામાં આવી હતી

કોમર્સ ફેકલ્ટીમાં શહેર બહારના વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી કરવામાં આવી હતી. 60થી 65 ટકા ધરાવતા બહારના વિદ્યાર્થીઓની માગને પગલે બે દિવસ પ્રક્રિયા કરવા છતાં માત્ર 35 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. એફવાય બીકોમમાં દિવાળી પહેલા પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ગઇ હતી તેમ છતાં બે દિવસ માટે પ્રવેશ પ્રક્રિયા કરતાં આશ્ચર્ય થયું હતું.

એમ.એસ.યુનિવર્સિટીના FY બીકોમની પ્રવેશ પ્રક્રિયા દિવાળી પહેલાં જ પૂરી કરી દેવાઇ છે. ચાલુ વર્ષે એફવાય બીકોમમાં પ્રવેશ માટે રીસ્ટ્રીકશન રખાયું હતું. જેથી 7200 વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો છે. જેમાં શહેર, રાજય તથા અન્ય રાજયના 65 ટકાથી વધુ હોય તેવા 500 વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો હતો.

ગત વર્ષે કોરોના મહામારીમાં માસ પ્રમોશનને પગલે એફવાય બીકોમમાં 9 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જેમાં શહેર બહારના 2 હજાર વિદ્યાર્થીઓ હતાં. તમામ વિદ્યાર્થીઓ પાસ થવાથી કોઇને અન્યાય ના થાય તે માટે તમામને પ્રવેશ અપાયો હતો. ચાલુ વર્ષે ધોરણ 12ની પરીક્ષા લેવાતાં જૂના નિયમ પ્રમાણે પ્રવેશ અપાયો છે.

એફવાય બીકોમની પ્રવેશ પ્રક્રિયા દિવાળી પહેલા પૂરી કરી દેવાઇ હતી. જોકે તેમ છતાં 60થી 65 ટકા વચ્ચેના શહેરના બહારના વિદ્યાર્થી માટે પ્રવેશ માટે બે દિવસ માટે ઓફલાઇન પ્રક્રિયા કરાઇ હતી. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓની માંગણી હોવાનાથી પ્રક્રિયા કરી હતી તેમ જણાવ્યુ હતું. પરંતુ માત્ર 35 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.

આ વર્ષે બહારના 500 વિદ્યાર્થીઓને જ પ્રવેશ
ચાલુ વર્ષે શહેર બહારના માત્ર 500 જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. ગત વર્ષે 2 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. 65 ટકાથી ઉપર હોય તેવા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. જેના કારણે બહારના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...