ક્રાઈમ:અમૃતસર-બાન્દ્રા ટ્રેનમાં દારૂ લાવેલા 2 ઝડપાયા

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીના બારમાંથી દારૂની બોટલો ખરીદી હતી

વડોદરા રેલવે સ્ટેશન ખાતે અમૃતસર-બાન્દ્રા ટ્રેનમાં દારૂ લઇને આવેલા સગીર સહિત 2 જણ રૂપિયા 12 હજારના વિદેશી દારૂ સાથે ઝડપાયા હતા. રેલવે એલસીબીએ વધુ તપાસ હાથ ધરી હતી. રેલવે એલસીબી મુજબ અમૃતસરથી બાન્દ્રા જતી પશ્ચિમ એક્સપ્રેસમાં પેસેન્જરો ઊતરતાં વોચ દરમિયાન એક છોકરો વજનદાર પિઠ્ઠુ બેગ લઇને જતો હતો. એલસીબીએ તપાસ કરતાં રૂા.5880નો દારૂ મળ્યો હતો.

એલસીબીએ સગીરના પિતાને એલસીબી ઓફિસે બોલાવ્યા હતા. સગીરે જણાવ્યું હતું કે, પોતાના ગામના પંકજ નામના શખ્સે દિલ્હીના એક બારમાંથી દારૂની બોટલો ખરીદી હતી અને પંકજ પણ પકડાઈ ગયો છે એમ તેણે જણાવ્યું હતું. એલસીબીએ સગીરને રેલવે પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી હતી. દરમિયાન પંકજ ભુલ્લુરામ કેવટ (ડભોઇ રોડ)ને આરપીએફ ઓફિસ પાસેથી રૂા.6 હજારના વિદેશી દારૂ સાથે રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો. પંકજ કેવટે સગીરને દારૂ બારમાંથી ખરીદી આપ્યો હતો. એલસીબી સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક પૂછપરછમાં સગીરે હું તો ટ્રેનમાં ચોકલેટ વેચું છું તેમ કહ્યું હતું, પરંતુ કડક પૂછપરછ કરતાં તેણે વટાણા વેરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...