ધરપકડ:ફતેગંજના ફ્લેટમાં IPL પર સટ્ટો રમતાં 2 જણ પકડાયા,12 વોન્ટેડ

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • MPના નિમચના શખ્સો બુકી પાસેથી ઓનલાઇન સટ્ટો કપાવતા હતા
  • શરણમ સોલિટરીમાંથી પકડાયેલા સટ્ટેબાજો પાસેથી દારૂની 2 બોટલ મળી

શહેરના ફતેગંજ બીએસએનએલ ઓફિસ પાસે શરણમ સોલિટરીના ફ્લેટમાં રોકાઇને આઇપીએલની મેચો પર સટ્ટો રમી રહેલા 2 શખ્સને પીસીબી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતાં એમપીના નિમચના બુકી અને અન્ય એક શખ્સ આ સટ્ટો રમાડતા હોવાનું બહાર આવતાં બુકી સહિતના 12 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસને ફ્લેટમાંથી દારૂની 2 બોટલ પણ મળી હતી. પીસીબી પોલીસને બાતમી મળી હતી કે, ફતેગંજના શરણમ સોલિટરીના ફ્લેટમાં અન્ય રાજ્યોના લોકો રોકાયા છે અને આઇપીએલની મેચો પર સટ્ટો રમી રહ્યા છે.

જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં આઇપીએલની મેચ જોઇ ફોનમાં ભાવતાલ કરી રહેલા ભગવાનદાસ ઉર્ફે વિકી કનૈયાલાલ અવતાની (રહે. નિમચ, એમપી) તથા વ્રજ સ્મિતેશ મોદી (રહે. દાહોદ) ઝડપાયા હતા. બંનેની પૂછપરછ કરાતાં સટ્ટાની વેબસાઇટની આઇડી નિમચના મોન્ટુ સલુજાએ આપી હોવાનું તથા આ ફ્લેટ પણ મોન્ટુએ જ સટ્ટો રમવા માટે ભાડે લીધો હોવાનું બહાર આવ્યું હતું.

આ ઉપરાંત નિમચના બુકી સૌરભ સિંહલ પાસે સટ્ટો કપાવતા હતા તથા અજમેરનો મુન્નો નામનો શખ્સ ગ્રાહકો શોધી આપતો હોવાનું બહાર આવ્યું હતું. મુન્ના થકી શિવો, મનિષ, રિષી, પ્રદીપ, વિજય, સોની, પંડિત, હેમુ તથા ઘનશ્યામ નામના લોકો સટ્ટો રમતા હોવાનું બહાર આવતાં પોલીસે બુકી સૌરભ તથા સટ્ટો રમાડનારા મોન્ટુ સલુજા સહિત 12 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. પકડાયેલા બંને શખ્સ પાસેથી દારૂની 2 બોટલ પણ મળતાં પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...