પાણીનો પ્રશ્ન:1908 ફરિયાદના નિકાલનો દાવો છતાંય પાણીની સમસ્યા યથાવત્

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ 15 માર્ચે કંટ્રોલ રૂમ શરૂ કર્યો હતો
  • લો પ્રેશર-ગંદા પાણીની સૌથી વધુ ફરિયાદો દક્ષિણ ઝોનમાં નોંધાઈ

ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યાઓનો મારો શરૂ થયો છે. પાલિકાએ 15 માર્ચે પાણી માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો હતો. જેમાં અત્યાર સુધી કુલ 1958 ફરિયાદ મળી છે. જેમાં પાણીના લો પ્રેશર અને ગંદા પાણીની ફરિયાદો સૌથી વધુ દક્ષિણ ઝોનમાં નોંધાઈ છે.

1 મહિનામાં કુલ ફરિયાદમાંથી 1908 ફરિયાદનો નિકાલ થયો છે, જ્યારે 50 ફરિયાદ પેન્ડિંગ હોવાનું કાગળ પર નોંધાયું છે. ઉનાળાની શરૂઆત થતાં જ શહેરમાં પાણીનો ભારે કકળાટ સર્જાય છે. ઠેર ઠેર ઓછા પ્રેશરથી અને ગંદું પાણી આવતું હોવાની બૂમો ઊઠે છે. તેવામાં આ સમસ્યાનો નિકાલ લાવવા માટે પાલિકાએ કંટ્રોલ રૂમ શરૂ કર્યું હતું. કંટ્રોલ રૂમ શરૂ થયા બાદ ચારેય ઝોનમાં 1958 ફરિયાદ મળી હતી. જેમાંથી સૌથી વધુ 1582 ફરિયાદ લો પ્રેશરની ફરિયાદો છે. જ્યારે દૂષિત પાણીની 209 ફરિયાદો મળી છે.

દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 751 ફરિયાદ મળી હતી, જેમાં 644 ફરિયાદ લો પ્રેશરની છે. જ્યારે પૂર્વ ઝોનમાં 500, પશ્ચિમ ઝોનમાં 302 અને ઉત્તર ઝોનમાં 405 ફરિયાદ નોંધાઈ છે. કુલ ફરિયાદમાંથી લીકેજ દુરસ્તીની 96, 51 ફરિયાદો ડાયરેક્ટ મોટર દ્વારા પાણી ખેંચવાની નોંધાઈ છે. કુલ 1958 ફરિયાદોમાંથી 50 ફરિયાદોનો નિકાલ હજી થયો નહીં હોવાનું પાલિકાએ પેપર પર નોંધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...