વડોદરા ક્રાઇમ ન્યૂઝ:બે અકસ્માતમાં અજાણ્યા વાહનોની ટક્કરે બે લોકોના મોત, ડેસરના સાંઢાસાલ ગામમાં ડોક્ટરના મકાનમાંથી 1.85 લાખની ચોરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા શહેરના હરણી-મોટનાથ રોડ ઉપર સી-101, શરણમ ફ્લેટમાં રહેતા ડો. રાહુલકુમાર મનહરલાલ રાણા પરિવાર સાથે રહે છે. તેઓનું વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંઢાસાલ ગામમાં મકાન આવેલું છે. તા. 25-12-022થી આજદિન સુધીના કોઇપણ સમયમાં બંધ મકાનના મુખ્ય દરવાજાનું કોઇ શખ્સો તાળા તોડી ઘરમાં લોખંડની તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 1,50,000 તેમજ બીજા રૂમમાં મુકેલી લોખંડની તિજોરીમાંથી 5.3. ગ્રામ સોનાના દાગીના અને 59.75 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા 1,85,500નો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ બનાવ અંગે ડેસર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સાઇકલ ચાલકનું મોત
પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના રહેવાસી રંગીતભાઇ બુધાભાઇ પઢીયાર (ઉં.50) ડુંગળીની કંપનીમાંથી નાઇટ શિફ્ટમાં નોકરી કરીને સાઇકલ લઇને ઘર તરફ જઇ રહ્યા હતા. દરમિયાન વડુ ચોકડી પાસે કોઇ અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને તુરતજ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

રોડ ક્રોસ કરતા રાહદારીનું મોત
બિહારના સિવાણી જિલ્લાના દરોલીના વતની અને હાલ નંદેશરીમાં રહેતા મોહનભગત રામતપેશા ભગત (ઉં.38) સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પસાર થઇ રહેલા મોટર સાઇકલ ચાલકે તેઓને પાછળથી અથડતા તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. અને સ્થળ પર તેઓનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવ અંગે સાવલી પોલીસે મોટર સાઇકલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ
વડોદરા જિલ્લા મહિલા પોલીસ મથકમાં રતનપુર અક્ષરસિટીમાં રહેતી પરિણીતાએ પતિ ભાવેશ પરમાર, સાસુ, નણંદ, ફૂવા સસરા સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિ અને સાસુ સહિત સાસરીયાઓ લગ્ન બાદ તારા પિયરમાંથી લગ્ન સમયે કશું આપવામાં આવ્યું નથી. પિયરમાંથી દહેજ પેટે રૂપિયા 4 લાખ લઇ આવ તોજ તને ઘરમાં રાખીશું. પરિણીતાએ પિયરમાંથી દહેજ પેટે રૂપિયા 4 લાખ લાવવા માટે ઇન્કાર કરતા મારઝૂડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. અને છૂટાછેડા માટે દબાણ કરી રહ્યા છે. મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...