કોરોનાની સંભવિત લહેર સામે સાવચેતી અને તૈયારીના પગલાં લેવા માટે કલેક્ટર અતુલ ગોરે ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક યોજી હાલમાં કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આરોગ્યલક્ષી વ્યવસ્થાપન અંગે તેમણે જીણવટભરી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યાં હતા.
પ્રિકોશન ડોઝ માટે ખાસ કેમ્પ યોજવા સૂચના આપી
કલેક્ટર અતુલ ગોરે આરોગ્ય અમલદારોને સૂચના આપતા કહ્યું હતું કે, સંભવિત લહેર સામે સુરક્ષા કવચ મળી રહે તે હેતુંથી બાકી રહી ગયેલા તમામ આરોગ્યકર્મીઓ, અગ્રીમ હરોળના કર્મયોગીઓ અને કોમોર્બિડ નાગરિકોને પ્રિકોશન ડોઝ અગ્રતાના ધોરણે આપવાની કામગીરી હાથ ધરવાની રહેશે. અગ્રીમ હરોળના કર્મયોગીઓ માટે પ્રિકોશન ડોઝ માટે ખાસ કેમ્પ યોજવા પણ તેમણે સૂચના આપી છે.
આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ
કલેક્ટરે એમ પણ જણાવ્યું હતું કે, જિલ્લામાં 506 આઇસોલેશન બેડ, 1059 ઓક્સિજન બેડ, 199 આઇસીયુ બેડ, 76 વેન્ટિલેટર બેડ, 5 લિટરના 218 ઓક્સિજન કોન્સ્ટ્રેટર, 10 લિટરના 129 ઓક્સિજન કોન્સ્ટ્રેટર, 576 ઓક્સિજન સિલિન્ડર અને જિલ્લામાં 11 પીએસએ પ્લાન્ટ કાર્યરત છે. જિલ્લામાં કુલ 1840 બેડ, ઓક્સિજન પૂરૂ પાડતા 911 સંસાધનો ઉપલબ્ધ છે. તેની સાથે જરૂરી દવાનો જથ્થો પણ છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે. ત્યારે, નાગરિકોએ પણ કોરોના સામે સાવચેતી રાખવા કોવિડ એપ્રોપ્રિએટ વર્તન રાખે એ અપેક્ષિત છે.
છેલ્લા અઠવાડિયામાં એક પણ કેસ નહીં
આ બેઠકમાં એવી વિગતો રજૂ થઇ હતી કે, વડોદરા જિલ્લામાં અત્યાર સુધી એટલે કે, ડિસેમ્બર-2022 સુધીમાં કોરોનાના 12582 કેસ નોંધાયા હતા. જે પૈકી 12564 દર્દીઓ સાજા થઇ ગયા હતા. વડોદરા જિલ્લામાં 14,61,132 લોકો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં કોરોના પોઝિવિટી રેશિયો 4.62 ટકા નોંધાયો હતો. વડોદરા જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં 1707 આરટીપીસીઆર અને 1168 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત જણાયા નથી. જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે ઘરે જઇને આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.
સામાન્ય તાવના 430 કેસ નોંધાયા
વડોદરા જિલ્લાના નગરપાલિકા વિસ્તારોમાં 13 અને ગ્રામ્યમાં 201 સહિત કુલ 214 સર્વેલન્સ ટીમો 854190 નાગરિકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી સામાન્ય તાવના 430, ઋતુગત શરદી ઉધરસના 2482 કેસો નોંધાયા હતા. જેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણ, તબીબી અમલદારો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.