વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:ઘરમાં જઈને ગોળી મારવાની ધમકી મામલે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે આચારસંહિતા ભંગની કાર્યવાહી, કલેક્ટર પાસે સુઓમોટો રિપોર્ટ માંગ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ. - Divya Bhaskar
વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ.

ભાજપ દ્વારા વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપવામાં ન આવતા ગઈકાલે અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી નોંધાયા બાદ તેઓએ સમર્થકોને સંબોધતા જણાવ્યું હતું કે, કોઈ તમારો કોલર પકડે ને એના ઘરમાં જઈને ગોળી ના મારુ તો હું મધુ શ્રીવાસ્તવ નહીં, તેવી ખુલ્લેઆમ ધમકી આપી હતી. મધુ શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવેલી ધમકીની ચૂંટણી તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને તેઓ સામે ચૂંટણી તંત્ર દ્વારા આચાર સંહિતા ભંગ માટેની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કલેક્ટર પાસે સુઓમોટો રિપોર્ટ માંગ્યો છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવેલા રિપોર્ટ અંગે જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય પંચે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કરેલા નિવેદન અંગે રિપોર્ટ માંગ્યો છે, તે અંગેનો રિપોર્ટ અમે આપીશું.

માંકણ ગામમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વિરોધ
વડોદરા જિલ્લામાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે અનેક સ્થળે રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે, જેમાં કરજણના માકણ ગ્રામ પંચાયત ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ગામમાં પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનર્સ લગાવી દેવામાં આવ્યા છે. 'ભરોસાના નામે ભવાઈ કરતી ભાજપ સરકારના નેતાઓએ માંકણ ગામમાં મત લેવા પ્રવેશ કરવો નહીં. ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વોટ માંગવા માંકણ ગામમાં પ્રવેશ કરશો તો ગામના લોકો દ્વારા સખતમાં સખત વિરોધ કરવામાં આવશે. તથા નીચે દર્શાવેલ તમામ પ્રશ્નોના જવાબો આપવાની તૈયાર દર્શાવીને જાહેરમાં મીટિંગ કરવા ગામ લોકો આમંત્રિત કરે છે. આવા બેનર્સ ગામના પ્રવેશ દ્વાર પર લગાવી દેતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે સાથે લખવામાં આવ્યું છે કે, ભાજપ તથા કોંગ્રેસને મત આપશો તો બાંકડા સિવાય કશું મળશે નહીં.

વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કર્યાં બાદ બળવાખોર દિનેશ પટેલ (દિનુ મામા)એ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મોકલેલા રાજીનામામાં દિનેશ પટેલે જણાવ્યું છે કે, હું ભારતીય જનતા પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી મારું સ્વૈચ્છિક રાજીનામુ આપુ છું તેમજ હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ સ્વૈચ્છિક રાજીનામું આપુ છું. દિનેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2007માં અપક્ષ જીત્યો હતો અને પછી ભાજપમાં આવીને જીત્યો હતો. આ વખતે હું ફરીથી જીતીશ આવીશ.

દિનેશ પટેલ (દિનુ મામા)એ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ.
દિનેશ પટેલ (દિનુ મામા)એ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ.

ઉલ્લેખનીય છે કે, દિનુ મામા 2007માં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને તેમાં તેમનો વિજય થયો હતો. તે બાદ તેઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. ભાજપમાં ગયા બાદ 2012માં ભાજપે તેઓને ટિકિટ આપી હતી. અને તેમાં પણ તેઓ વિજયી બન્યા હતા. ભાજપે 2017માં તેઓને ટિકિટ આપી હતી. પરંતુ તેમાં તેઓને કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ ઠાકોર (પઢીયાર) સામે પરાજય થયો હતો. આ વખતે ભાજપે દિનેશ પટેલને ટિકિટ ન આપતા તેઓએ બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી છે.

સિક્કામાં ડિપોઝિટ આપનાર સ્વેજલ વ્યાસનું ફોર્મ આખરે સ્વીકારાયું

વડોદરાની સયાજીગંજ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે 10 હજાર રૂપિયાના સિક્કા ડિપોઝિટ પેટે ભર્યા હતા. આજે ફાર્મની સ્ક્રિટિની સમયે આ બેઠક પર ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાના વકીલે આટલી રોકડ મુદ્દે વિરોધ રજૂ કરી સ્વેજલ વ્યાસનું ફોર્મ રદ કરવાની રજૂઆત કરી હતી. જો કે સ્વેજલ વ્યાસે આ અંગે ચૂંટણી અધિકારીઓને રજૂઆત કરી હતી કે, જો આટલી રકમના સિક્કા લેવા નિયમ પ્રમાણે ન હોય તો તે સમયે જ ના પાડવી હતી. એવું હોય તો તેઓ 10 હજાર ફરી વધુ કિંમતની ચલણી નોટોથી ભરી આપવા તૈયાર છે. જોકે, ચૂંટણી અધિકારી દ્વારા સિક્કા સ્વીકારી લઇને સ્વેજલ વ્યાસનું ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે 10 દિવસમાં 311 જેટલા વ્યક્તિઓ ફોર્મ લીધા હતા, પરંતુ, તમામ પક્ષના મ‌ળીને ડમી ફોર્મ સહિત 183 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. સૌથી વધુ ફોર્મ શહેરમાં અકોટા વિધાનસભા બેઠક પર ડમી ફોર્મ સહિત 28 ફોર્મ ભરવામાં આવ્યા છે. ડભોઇ વિધાનસભામાં સૌથી વધુ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

ભાજપ પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલ્યું.
ભાજપ પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલ્યું.

ઉમેદવારી નોંધાવવા માટેનો ગઈકાલે અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠક માટે કુલ 183 ફોર્મ ભરાયા હતા. વડોદરા શહેરની પાંચ બેઠકો પરના ફોર્મની સ્ક્રુટીની થશે અને જે-તે ઉમેદવારને સ્ક્રુટીની સમયે હાજર પણ રાખવામાં આવશે અને ઉમેદવાર પોતે ચૂંટણી ન લડવા માંગતો હોય તો તે ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે.

સયાજીગંજ વિધાનસભા બેઠક માટે લેવાયેલાં ફોર્મમાંથી સૌથી વધુ ફોર્મ ભરાઇને આવ્યાં

બેઠકઉપાડભરાયાં
વડોદરા શહેર5519
સયાજીગંજ2414
માંજલપુર8422
રાવપુરા5516
અકોટા7228
બેઠકભરાયાં
સાવલી11
કરજણ11
પાદરા17
ડભોઈ21
વાઘોડિયા22

ટિકિટ ન મળતાં દાવેદારો ગાયબ થયા
ભાજપના આંતરીક વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ટિકિટ માંગનારા દાવેદારોની ટિકિટ કપાયા પછી કાર્યાલયના ઉદ્ઘાટન સુધી દેખાયા હતા, ત્યાર પછી દાવેદારો નારાજ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ટિકિટ માંગનારામાંથી ઘણા દાવેદારો નિષ્ક્રિય થઇ ગયા છે.

વડોદરાના મેયરની સંપત્તિ 10 કરોડ
વડોદરાના મેયર અને સયાજીગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ 10 કરોડ 77 લાખની સંપત્તિ જાહેર કરી છે. માંજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે 33 કરોડ 86 લાખની સંપત્તિ દર્શાવી છે.

ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ 10 કરોડ 77 લાખની સંપત્તિ જાહેર કરી.
ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ 10 કરોડ 77 લાખની સંપત્તિ જાહેર કરી.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો કરોડપતિ
વડોદરા સિટી (અનુસૂચિત જાતિ અનામત) બેઠક પરથી કોંગ્રેસના ગુણવંતરાય પરમારે 2 કરોડ 67 લાખ 78 હજારની સંપત્તિ જાહેર કરી છે. કરજણના કોંગ્રેસના ઉમેદવાર પ્રિતેશ પટેલે 3 કરોડ 47 લાખની સંપત્તિ સોગંદનામામાં દર્શાવી છે. સાવલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કુલદિપસિંહ રાઉલજીએ 2 કરોડ 81 લાખ 99 હજારની સંપત્તિ જાહેર કરી છે.

સમર્થકો સાથે મધુ શ્રીવાસ્તવ.
સમર્થકો સાથે મધુ શ્રીવાસ્તવ.

અપક્ષ મધુ શ્રીવાસ્તવની સંપત્તિ 33 કરોડ 91 લાખ
જ્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર વાઘોડિયાના ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 33 કરોડ 91 રૂપિયાની સંપત્તિ દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં મધુ શ્રીવાસ્તવે 31 કરોડ 40 લાખની સંપત્તિ જાહેર કરી હતી. એટલે કે તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...