લમ્પી વાઇરસની દહેશત:વડોદરા શહેર-જિલ્લામાં લમ્પી વાઇરસના 18 શંકાસ્પદ કેસો, તમામ પશુઓ લમ્પી વાઇરસના ખતરાની બહાર

વડોદરા14 દિવસ પહેલા
વડોદરા શહેર-જિલ્લામાં પશુઓમાં લમ્પી વાઇરસની દહેશત, તંત્ર એલર્ટ કરાયું
  • પશુપાલકોને સ્વચ્છતા જાળવવા અને કડક દેખરેખ રાખવા અપીલ કરી, તંત્ર એલર્ટ

સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી મુકનાર અને અનેક પશુઓનો ભોગ લેનાર લમ્બી વાઇરસે પશુપાલકોમાં દહેશત ફેલાવી દીધી છે. વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા ઢોર ડબ્બામાં પુરવામાં આવેલા પશુઓ પૈકી 3 પશુઓમાં અને જિલ્લામાં 15 પશુઓમાં શંકાસ્પદ લમ્પી વાઇરસ જોવા મળ્યો છે. જોકે, વડોદરા શહેર- જિલ્લા પશુ પાલન વિભાગો દ્વારા તમામ પશુઓ લમ્પી વાઇરસના ખતરાથી બહાર હોવાનું જણાવ્યું છે.

વડોદરા ઢોર ડબામાં પુરવામાં આવેલા પશુઓ
વડોદરા ઢોર ડબામાં પુરવામાં આવેલા પશુઓ

કોર્પોરેશનના ઢોર ડબામાં 600 પશુઓ છે
વડોદરા કોર્પોરેશનના માર્કેટ સુપ્રિડેન્ડન્ટ ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશનના ઢોર ડબ્બા દ્વારા પુરવામાં આવતી ગાયો ખાસવાડી સ્મશાન, લાલબાગ અને ખટંબા ખાતેના ઢોર ડબામાં રાખવામાં આવે છે. આ ઢોર ડબાઓ પૈકી વડોદરાના ખાસવાડી સ્મશાન ખાતેના ઢોર ડબામાં છ દિવસ પહેલાં ત્રણ પશુઓમાં લમ્પી વાઇરસના લક્ષણો જણાઇ આવ્યા હતા. આ પશુઓને યોગ્ય સારવાર આપવા સાથે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી. પરિણામે આ ત્રણે પશુઓ લમ્પી વાઇરસના ખતરાથી બહાર આવી ગઇ છે. વડોદરા કોર્પોરેશનના ત્રણે ઢોર ડબામાં 600 જેટલા પશુઓ છે.

વડોદરા કોર્પોરેશનના ઢોર ડબામાં પુરવામાં આવેલા પશુઓની મુલાકાતે ડો. વિજય પંચાલ
વડોદરા કોર્પોરેશનના ઢોર ડબામાં પુરવામાં આવેલા પશુઓની મુલાકાતે ડો. વિજય પંચાલ

લમ્પી વાઇરસ ઉપર નજર રાખવા એક તાલુકામાં 4 ટીમો કાર્યરત
પશુપાલન વિભાગના ડેપ્યુટી ડાયરેકટર ડૉ. જીજ્ઞેશ દવેએ જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી લમ્પી વાઇરસ અંગે સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં દરેક તાલુકા દીઠ 4 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે. સર્વે દરમિયાન 15 જેટલા પશુઓમાં શંકાસ્પદ લમ્પી વાઇરસના ચિન્હો જોવા મળ્યા હતા. પરંતુ, યોગ્ય સારવાર અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવતા આ તમામ પશુઓ ખતરાની બહાર છે. વડોદરા જિલ્લામાં 5.22 લાખ પશુઓ છે.

જિલ્લામાં એક પણ લમ્પી વાયરસનો કેસ નોંધાયો નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વંદે ગુજરાત રથના જિલ્લામાં પરિભ્રમણ દરમિયાન લોકોને વાયરસ વિશે જાગૃતિ અંગેના પોસ્ટર તેમજ પેમ્પલેટ વિતરણ કર્યા હતા. કરુણા હેલ્પલાઇનના 1962થી અત્યાર સુધીના સારવાર અંગેના અહેવાલોનો અભ્યાસ કર્યો છે, તેમજ ઘનિષ્ઠા પશુ સુધારણા સ્કીમ અને બરોડા ડેરીની મુલાકાત પણ લીધી છે. નિયંત્રણ અંગેનું કાર્ય અમારી ટીમ દ્વારા સતત થઈ રહ્યું છે અને જો પાલતુ પ્રાણીઓના શરીરના કોઈપણ ભાગમાં ચામડી ઉપર એવી કોઈ પણ ઉણપ દેખાય તો પશુપાલક મિત્રોને તરત પ્રાણીઓના દવાખાનામાં બતાવવાની અપીલ કરીએ છીએ. આજ દિન સુધીમાં જિલ્લામાં લમ્પી વાઇરસનો કોઈ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...