કન્સલ્ટન્ટે છેતર્યો:વડોદરાના યુવક પાસેથી 18 લાખ રૂપિયા લઇને કોલેજમાં એડમિશન વિના જ અભ્યાસ માટે યુક્રેન મોકલ્યો, ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા2 મહિનો પહેલા
આરોપી અનિલ પારેખ - Divya Bhaskar
આરોપી અનિલ પારેખ
  • ઇમિગ્રેશનનો ધંધો કરતા અનિલ પારેખને યુવાને તબક્કાવાર રૂપિયા ચુકવ્યા હતા

વડોદરા શહેરના એક વીઝા કન્સલ્ટન્ટે એડમિશન અપાવ્યા વિના જ યુવકને યુક્રેન અભ્યાસ માટે મોકલી 18 લાખ રૂપિયાની છેતરપિંડી આચર્યાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

યુવકે પોલીસ ફરિયાદ કરી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર સૌમેષ દેવીદાસ હેડાઉ (ઉ.27) વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી બરોડા સ્કાય સોસાયટીમાં રહે છે અને નાગપુર વર્ધાથી બી.ઇ. મિકેનિકલનો અભ્યાસ કર્યો છે. સૌમેષ ઉચ્ચ અભ્યાસ કરવા માંગતો હોવાથી તેમની જ સોસાયટીમાં રહેતા અનિલ પારેખ (રહે. D/404, બરોડા સ્કાય, ગોરવા) સાથે સંપર્ક થયો હતો અને તેના પિતા દેવીદાસ સાથે આ અંગે વાતચીત કરી હતી.

પહેલા 15 લાખ રૂપિયા માંગ્યા
અનિલ પારેખે જૂન 2021માં સૌમેષના પિતા દેવીદાસને કહ્યું હતું કે, તમારા પુત્રને હું યુક્રેનમાં માસ્ટર ઓફ સાયન્સ એન્ડ એપલાયન્સ મિકેનિકમાં પ્રવેશ અપાવી દઇશ. તમે મારી ઇમિગ્રેશનની ઓફિસે આવજો. જેથી સૌમેષ તેના પિતા સાથે અનિલ પારેખની શહેરના ગેંડા સર્કલ પાસે આવેલ એટલાન્ટિક K-10 બિલ્ડિંગમાં આવેલી TRIUMPHH (ઓફિસ નંબર B-222)માં ગયા હતા. જ્યાં અનિલ પારેખે જણાવ્યું હતું કે, મેં અનેક વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે મોકલ્યા છે. તમે મને ડોક્યુમેન્ટ તૈયાર કરવા, વીઝા માટે ફી ભરવા અને મારી કન્સલ્ટન્સિ પેટે 15 લાખ રૂપિયા આપવા પડશે.

તબક્કાવાર 15 લાખ રૂપિયા આપ્યા
જેથી સૌમેષના પિતાએ પહેલા RTGS અને નેટ બેંકિંગ દ્વારા 5 લાખ રુપિયા આપ્યા હતા. ત્યાર બાદ ઓગસ્ટ 2021માં યુક્રેનની યુનિવર્સિટીનો ઓફર લેટર આપ્યો હતો અને વિઝા માટે વધુ 10 લાખ રૂપિયા આપ્યા હતા. આમ અનિલ પારેખને તબક્કાવાર 15 લાખ રૂપિયા આપ્યા હતા. સાથે અનિલ પારેખે મૌખિક બાહેંધરી આપી હતી કે જો કોઇ પ્રોબલેમ થશે તો તમને તમારા રૂપિયાનું રિફંડ મળી જશે.

એટલાન્ટિક K-10 બિલ્ડિંગમાં આવેલી ઓફિસ
એટલાન્ટિક K-10 બિલ્ડિંગમાં આવેલી ઓફિસ

તમારા યુક્રેનના વીઝા આવી ગયા છે
થોડા દિવસ બાદ અનિલ પારેખે સૌમેષને જણાવ્યું હતું કે, તમારા યુક્રેનના વીઝા આવી ગયા છે. તેથી સૌમેષ 20 ઓક્ટોબર 2021ના રોજ અમદાવાદ એરપોર્ટથી યુક્રેન ગયો હતો. અનિલ પારેખે સૌમેષને કહ્યું હતું કે યુક્રેનમાં મોહંમદઅલી નામના વ્યક્તિને મળી લેજો. યુક્રેનમાં એરપોર્ટ પર મોહંમદઅલી નામનો વ્યક્તિ સૌમેષને રિસિવ કરવા આવ્યો હતો અને તેણે કારમાં જતાં સમયે જ એડમિશન માટે રૂપિયાની માંગણી કરી હતી. જેથી સૌમેષે આ અંગે અનિલ પારેખનો ફોન પર જણાવ્યું હતું. જેથી અનિલ પારેખે કહ્યું હતું કે, ભારતથી રૂપિયા ટ્રાન્સફર નથી થતાં તમે ત્યાંથી મોહંમદઅલીને પૈસા આપી દેજો. જેથી સૌમેષે મોહંમદ અલીના એકાઉન્ટમાં બે તબક્કામાં 3 લાખ 37 હજાર 500 રૂપિયા જમા કરાવ્યા હતા.

18.37 લાખની છેતરપિંડીની ફરિયાદ કરી
પરંતુ ખરી મુસિબત તો ત્યારે સામે આવી જ્યારે સૌમેષ યુક્રેનના ખાર્કિવમાં આવેલ કોલેજમાં ગયો. કોલેજમાં તપાસ કરતા તેને જાણ થઇ કે, તેનું એડમિશન યુક્રેનની કોલેજમાં થયું જ નથી. જેથી સૌમેષે વડોદરામાં અનિલ પારેખને ફોન કરી જણાવ્યું હતું કે, મારુ એડમિશન તો યુક્રેનની કોલેજમાં થયું જ નથી. જેના જવાબમાં અનિલ પારેખે કહ્યું હતું કે, હું તમારુ એડમિશન કરાવું છું, તમે રાહ જુઓ. તમારા ડિગ્રીના સર્ટી ઉપર અપોસ્ટાઇલ સ્ટેમ્પ કરાવવો પડશે. જો કે, ત્યાર બાદ પણ સૌમેષને યુક્રેનમાં એડમિશન મળ્યું ન હતું, તેથી તે 28 નવેમ્બર 2021ના રોજ ભારત પરત આવી ગયો હતો. યુક્રેનમાં એડમિશન મામલે છેતરાયેલા સૌમેષે આ ઇમિગ્રેશનનો ધંધો કરતા અનિલ પારેખ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં 18 લાખ 37 હજારની ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...