પાલિકાની રિંગ:49% ઓછા ભાવે રસ્તાનું કામ એક્સ્ટેન્ડ કર્યા બાદ 18% વધુ ભાવની દરખાસ્ત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસમાં દક્ષિણ ઝોનના રોડ કાચામાંથી પાકા કરવાની બે દરખાસ્તથી વિવાદ
  • એક્સ્ટેન્શનને મંજૂરી આપી 7 દિવસમાં જ વાર્ષિક ઇજારાની દરખાસ્ત મૂકી દેવાઇ

દક્ષિણ ઝોનમાં કાચા રોડ પાકા કરવાના કામમાં 49 ટકા ઓછા ભાવની ત્રણ મહિના એક્સટેન્શન માટે આવેલી દરખાસ્તને ગત સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપ્યા બાદ હવે 18 ટકા વધુ ભાવ સાથેની નવી દરખાસ્ત આવતા વિવાદ સર્જાયો છે. પાલિકા હવે બંનેમાંથી કયા કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવશે તે ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ શહેરના 3 ઝોનમાં રોડને કાચા પાકા કરવાના કામની દરખાસ્ત આવી હતી. જેમાં કોન્ટ્રાક્ટરોએ રીંગ બનાવી 16થી 19 ટકાના વધુ ભાવ ભર્યા હતા.

આ કામને સ્થાયી સમિતિએ મંજૂરી આપી હતી. ત્યારબાદ 26 તારીખે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં દક્ષિણ ઝોનના રોડ કાચા પાકા કરવાના કામ માટે કોન્ટ્રાક્ટર મે. શકુ કન્સ્ટ્રક્શનના આ જ કામ માટે 49 ઓછામાં કરવા અંગેની અને કોન્ટ્રાક્ટને 3 મહિના સુધી એક્સટેન્શન આપવા માટેની દરખાસ્ત પર સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી હતી. આમ મંજૂરી મળતા દક્ષિણ ઝોનના કામો અન્ય ઝોન કરતા ઓછા ભાવે થશે તેવું અનુમાન હતું.

પરંતુ આ સપ્તાહે જાહેર કરાયેલા સ્થાયી સમિતિના એજન્ડામાં દક્ષિણ ઝોનના રોડ કાચા પાકા કરવાના કામમાં કોન્ટ્રાક્ટર મે. ડગલી એસોસિએટ્સની 18 ટકા વધુના ભાવ સાથેની દરખાસ્ત મંજૂરી માટે આવતા વિવાદ થયો છે. છેલ્લા 15 દિવસમાં એક જ ઝોનના એક જ કામ માટે બે અલગ અલગ દરખાસ્ત આવતાં પાલિકાને 67 ટકા વધુના ભાવ આપી નુકસાન પહોંચાડવાનો કારસો ઘડવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

... તો પાલિકાને 67% વધુ ભાવ આપવાના થશે
દક્ષિણમાં રોડને કાચામાંથી પાકા કરવાના કામો 49 ટકા ઓછા ભાવે કરાવવામાં આવે તો પાલિકાને અન્ય ઝોન કરતા ફાયદો થશે જે ચોક્કસ બાબત છે. પરંતુ જો પાલિકા 18 ટકા વધુના ભાવ આપશે તો તંત્રને 67 ટકા વધુ ભાવ ચૂકવવા પડશે. હવે જોવાનું એ રહે છે કે પાલિકા કોને કામગીરી સોંપે છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ 3 ઝોનના ઇજારદારોએ રિંગ બનાવી હતી. અને 16થી 19 ટકા વધુ ભાવ ભર્યા હતા. જેનો વિવાદ થયો હતો. 49% ઓછા ભાવવાળી દરખાસ્તને મુકી રખાઇ હતી. જેને મંજૂરી આપી દેવામાં આવી છે. 3 ઝોન બાદ હવે દક્ષિણ ઝોન પણ કોન્ટ્રાક્ટરોની રીંગનો હિસ્સો બન્યો છે.

કોન્ટ્રાક્ટરને 69 નોટિસ આપી દરખાસ્તમાંથી બાદ
નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોન્ટ્રાક્ટરને સબ કોન્ટ્રાક્ટ રાખવા સહિત યોગ્ય સંચાલન નહીં કરવા બદલ પાણી પુરવઠા વિભાગે 69 નોટિસ ફટકારી હતી. તેમજ તેનો કોન્ટ્રાક્ટ રદ કરી ટર્મિનેટ કરવાની દરખાસ્ત ગત સ્થાયીમાં થઇ હતી. જોકે આ કામની દરખાસ્તને મુલતવી રાખી અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે બેઠક કર્યા બાદ નિર્ણય લેવાનું નક્કી થયું હતું. આ સપ્તાહે સ્થાયીના એજન્ડામાં કોન્ટ્રાક્ટરને ટર્મિનેટ કરવાની દરખાસ્ત નહીં મુકાતાં વિવાદ થયો છે.

~50 લાખનું કામ 49 ટકા ઓછા, બીજું 18% વધુમાં
અગાઉ જે દરખાસ્ત આવી તે રૂ.50 લાખની મર્યાદા અને ત્રણ મહિના એક્સ્ટેન્શનની હતી. સૌપ્રથમ રોડના બાકી કામો 49 ટકા ઓછા ભાવે રૂ. 50 લાખની મર્યાદામાં કરવામાં આવશે. ત્યારબાદ જો સ્થાયી સમિતિમાંથી મંજૂરી મળે તો 18 ટકા વધુમાં કામો કરવામાં આવશે. - ડો. હિતેન્દ્ર પટેલ, અધ્યક્ષ, સ્થાયી સમિતિ

અન્ય સમાચારો પણ છે...