કાર્યવાહી:ઘરના પીંજરામાં પૂરેલાં 17 પહાડી પોપટ-5 સ્ટાર કાચબા કબજે કરાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાતમી આધારે વનવિભાગ દ્વારા 16 ઘરમાં સર્ચ ઓપરેશન કરાયું
  • રહીશોઅે અજાણતાં પોપટ-કાચબા રાખ્યાની કેફિયત કહી હતી

શહેરના વિવિધ વિસ્તારોનાં ઘરોમાં પોપટ અને કાચબા ગોંધીને રાખવામાં આવ્યાં હોવાની જુદી જુદી બે બાતમીના આધારે મંગળવારે વનવિભાગે સામાજિક સંસ્થાને સાથે રાખીને રેસ્ક્યૂ અોપરેશન કરીને 17 પહાડી પોપટ અને 5 સ્ટાર કાચબાને બચાવી લીધા હતા. આ તમામ લોકોએ વનવિભાગ આવતાં જ પંખી અને કાચબા વિના વિરોધે કાઢીને આપી દીધાં હતાં.

એનિમલ વેલફેર બોર્ડ દ્વારા વનવિભાગને બાતમી મળી હતી કે, ફતેગંજ, બાજવાડા, દાંડિયાબજાર વિસ્તારોનાં 4 ઘરોમાં પહાડી પોપટો રાખવામાં આવ્યા છે. સામાજિક વનીકરણ રેન્જ વડોદરાના સ્ટાફ દ્વારા તપાસ કરાતાં 6 પહાડી પોપટ મળી આવ્યા હતા. જ્યારે જીએસપીસીએ સંસ્થા દ્વારા વાઇલ્ડ લાઇફ ડિવિઝનને બાતમી આપતાં શહેરનાં 12 ઘરોમાંથી 11 પોપટ અને 5 સ્ટાર કાચબા સંયુક્ત ઓપરેશન કરીને બચાવી લેવાયાં હતાં. આ વિશે આરએફઓ નિધિ દવેએ જણાવ્યું કે, ‘લોકોએ અન્ય હિંસક પ્રાણીઓથી તેમજ અકસ્માતથી પોપટનો જીવ બચાવ્યો હોવાની અને ત્યારબાદ પાળ્યો હોવાની તથા જેમના ઘરેથી કાચબા પકડાયા તેમણે ટ્રેકિંગ પર ગયા ત્યારે કાચબો મળ્યો તેમજ રોડ ક્રોસ કરતાં મળ્યો જેવી કેફિયતો કરી હતી.’ જોકે આ પોપટ અને કાચબા શિડ્યુઅલ્ડ જીવ હોવાથી આવા જીવ રાખવા બદલ રૂ. 500થી રૂ. 25 હજાર સુધીનો દંડ કરવાની વન્યજીવ કાયદામાં જોગવાઇ છે. હાલમાં વનવિભાગ દ્વારા તમામની પૂછપરછ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...