કોરોનાવાઈરસ:નરસિંહજી પોળના બેંક કર્મચારી સહિત 17નાં મોત, નવા 120 કેસ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા દિવસે 100 દર્દીઓને સાજા થતાં રજા અપાઇ

કોરોનામાં દર્દીઓની સંખ્યા વધવાની સાથે મોતની સંખ્યામાં પણ અચાનક વધારો નોંધાયો છે. શહેરમાં વિવિધ હોસ્પિટલોમાં 17 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. જ્યારે બીજી તરફ 120 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. જોકે તે પૈકી 35 દર્દીઓ વડોદરા જિલ્લામાં આવેલા વિવિધ ગામોના નોંધાયા છે. વડોદરામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 7,818 પર પહોંચ્યો છે.

શનિવારે વધુ 101 દર્દીઓને સાજા જાહેર કરતા હવે 6,054 એટલે કે 80 ટકા જેટલા દર્દીઓ સાજા થઇ ચૂક્યાં છે. જ્યારે હાલમાં કોરોનાની વિવિધ તબક્કામાં સારવાર લેતા 1625 દર્દીઓ પૈકીના 161ને ઓક્સિજન પર અને 65ને વેન્ટિલેટર અને બાયપેપ પર રાખવામાં આવ્યાં છે. શહેરના દલાપટેલની નરસિંહજીની પોળમાં રહેતા અને રાવપુરાની વર્ધમાન કો ઓપરેટિવ બેંકમાં નોકરી કરતા 50 વર્ષીય બિરેનભાઇ વૈદ્યનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અવસાન થયું હતું.

તેઓ છેલ્લા 10 દિવસથી બેંકર હોસ્પિટલમાં દાખલ હતા અને તબિયતમાં સુધારો થતાં ઘરે જવાની રજા અપાઇ હતી પણ શુક્રવારે અચાનક રાત્રે 1.30 વાગ્યાના સુમારે તેમની તબિયત કથળતાં એસએસજીમાં લાવવામાં આવ્યાં હતા પણ ત્યાં તેમનું સારવાર મળે તે અગાઉ જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ઉંડેરાના શક્તિ ફળિયામાં રહેતા 43 વર્ષીય યુવકનું અને કારેલીબાગના આધેડનું શંકાસ્પદ કોરોનાથી મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...