દીવા તળે અંધારું:કમાટીબાગ પક્ષીઘરની સાઇટ પરથી 10 બાળા સહિત 17 બાળ મજૂર મળ્યાં

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની સાઇટ પર શ્રમ અાયુક્ત, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સહિતની ટીમોનો દરોડો
  • શિવાલય ઇન્ફ્રા. પ્રોજેક્ટના કોન્ટ્રક્ટર સામે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ

પાલિકા સંચાલિત કમાટીબાગમાં પક્ષીઘરમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમ આયુક્ત, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ સહિતની વિવિધ ટીમોએ દરોડો પાડી 10 બાળકી સહિત 17 જેટલા બાળ મજૂરને મુક્ત કરાવ્યા હતા. આ બાળકો પાસે પક્ષીઘરમાં પથ્થર લગાડવાની કામગીરી કરાવવામાં આવતી હતી. ઘટનાના પગલે બાંધકામ કરતા કોન્ટ્રાકટર સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર વડોદરા શહેર જિલ્લામાં બાળ મજૂરીને અટકાવવા માટે કામ કરતા જિલ્લા બાળશ્રમ નાબૂદી ટાસ્કફોર્સ કમિટીને માહિતી મળી હતી કે કમાટીબાગના પક્ષીઘરમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે.

જે માહિતીના આધારે શ્રમ આયુક્તની ટીમ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઈન વડોદરા તથા એનસીપીએલ સ્ટાફની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. દરોડામાં બાંધકામની જગ્યાએથી 10 બાળકીઓ અને 7 બાળકો મળી આવ્યા હતા. સંયુક્ત ટીમે 17 બાળકોને ત્યાંથી મુક્ત કરાવી તમામને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના આદેશથી બાળકીઓને હરિસિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ અને બાળકોને બાલ ગોકુલમ ખાતે મોકલી આપ્યા છે. જ્યારે આ બાંધકામ કરતા કોન્ટ્રાકટર શિવાલય ઇન્ફ્રા. પ્રોજેકટ પ્રા. લિ. સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

બાળકો પાસે પક્ષીઘરમાં પથ્થર ચોંટાડવાની કામગીરી કરાવાતી હતી
કમાટીબાગ પક્ષીઘરમાં બાંધકામના સ્થળે 17 બાળકો મજૂરી કરતા મળી આવતા શ્રમ આયુક્તની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. બાળકોને ત્યાં પથ્થર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તદુપરાંત ત્યાં મળી આવેલી 10 બાળકીઓ અને 7 બાળકો 12થી17વર્ષની ઉંમરના હોવાનું જાણવા મળ્યું હતું.

નિરીક્ષણમાં ધ્યાને ન આવ્યું, કરારની શરતો ચકાસાશે
પક્ષીઘરમાં થઈ રહેલા બાંધકામમાં અમારા નિરીક્ષણમાં આ બાબત ધ્યાને નથી આવી. આજે સવારે ઘટના બની તેની મને જાણ થઈ છે. તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે, તેમ છતાં કરારની શરતોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે જોવું પડશે અને આ અંગે ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરવાની છે. - રાજેન્દ્ર વસાવા, કાર્યપાલક ઈજનેર, ઉત્તર ઝોન

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...