વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં આજે કોરોનાના નવા 2252 કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 86,346 ઉપર પહોંચી ગઇ છે. મંગળવારે વધુ 937 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 76,197 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 624 દર્દીના મોત થયા છે.
વડોદરા શહેરમાં ખૂબ જ ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આમાં અનેક પ્રકારના લોકો સંક્રમિત થયા છે, ત્યારે પોતીના જીવન નિર્વાણ માટે શહેરમાં રખડવા મજબૂર સંખ્યાબંધ ભિક્ષુકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. વારસિયા ખાતે આવેલા ભિક્ષુક સ્વીકાર કેન્દ્રના સ્ટાફના 4 કર્મચારી અને 17 ભિક્ષુક સહિત કુલ 21 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સ્ટાફના ચાર વ્યક્તિઓને રજા આપી તેમની ઘરે સારવાર ચાલી રહી છે. જ્યારે 15 ભિક્ષુકોને ભિક્ષુક કેન્દ્રમાં કવોરન્ટીન કરીને તબીબી માર્ગદર્શન હેઠળ તેમની સારવાર શરૂ કરાઇ છે. આ ઉપરાંત બે ભિક્ષુકોની હાલત વધુ નાજુક જણાતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો
વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી SBIની હેડ ઓફિસમાં કેટલાક કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગતા ગ્રાહકો માટે ઓફલાઇન કામગીરી બંધ કરાઇ છે. કોરોનાના કેસને પગલે કામગીરી બંધ કરાઇ હોવાનુ બોર્ડ માર્યુ છે. ગ્રાહકોને ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરવા માટે બોર્ડ લખીને અપલી કરાઇ છે.
ત્રીજી લહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા
શહેરમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થતાં તંત્રએ ટેસ્ટિંગ વધાર્યું છે. આજે કરવામાં આવેલા 11,162 ટેસ્ટિંગમાં 2252 લોકોને કોરોના હોવાનું નિદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે પહેલી લહેરમાં વડોદરા શહેરમાં સૌથી વધુ 135 કેસ નોંધાયા હતા. ત્યારબાદ શરૂ થયેલી ઘાતક એવી બીજી લહેરમાં 5 મેના રોજ 987 કેસ નોંધાયા હતા. જ્યારે આજે ત્રીજી લહેરની શરૂઆતના સૌથી વધુ 2252 કેસ પાલિકાના ચોપડે નોંધાયા છે.
20.17 ટકાના પોઝિટિવિટી રેટ સાથે 2252 કેસ નોંધાયા
આજે શહેરમાં 11,162 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 16.10 ટકા પોઝિટિવિટી રેટ સાથે 2252 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે, 9 જાન્યુઆરીએ કોરોનાનો પોઝિટિવીટી રેટ 3.96 ટકા હતો, જે 10 દિવસ બાદ 19 જાન્યુઆરીએ 5 ગણો વધીને 20.17 ટકા ઉપર પહોંચી ગયો છે.
9290 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે
વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 9525 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 9290 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 235 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 14 દર્દીઓ વેન્ટિલેટર પર, 37 દર્દીઓ આઇસીયુમાં અને 86 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 6680 દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં બાજવા, કિશનવાડી, માંજલપુર, સમા, છાણી, ગાજરાવાડી, ગોત્રી, તાંદલજા, બાપોદ, સુદામાપુરી, ફતેપુરા, અટલાદરા, દિવાળીપુરા, અકોટા, વાઘોડિયા, એકતાનગર, જેતલપુર, આજવારોડ, સવાદ અને વડસરમાં નવા કેસો નોંધાયા છે.
શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં આજે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 415, પશ્ચિમ ઝોનમાં 571, ઉત્તર ઝોનમાં 488 અને દક્ષિણ ઝોનમાં 524 કેસ નોંધાયા હતા. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં 254 કેસ નોંધાયા હતા.
મેગા વેક્સિનેશન કેમ્પમાં કુલ 65608 લોકોને રસી મૂકાઇ
મંગળવારે શહેરમાં યોજાયેલા રસીકરણના મેગા વેક્સિનેશન કેમ્પમાં કુલ 65608 લોકોને રસી મૂકવામાં આવી હતી. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા પાંચમાં મેગા વેક્સિનેશન કેમ્પને વાસ્તવમાં સફળતા મળી હતી. સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી માત્ર 9 કલાકમાં રસીકરણનો આટલો મોટો ઐતિહાસિક આંકડો પાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસે 24 કલાકના વેક્સિનેશનમાં 71 હજાર લોકોને વેક્સિન મૂકવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.