જંગલમાં ખુની ખેલ ખેલાયો:હાલોલમાં એક જ યુવતી સાથે બે મિત્રોના પ્રેમ પ્રકરણમાં હિંસક તકરાર, મિત્રને બચાવવા વચ્ચે પડેલા 16 વર્ષના કિશોરની હત્યા, બે ઇજાગ્રસ્ત

હાલોલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાવાગઢ પોલીસે હુમલો, હત્યા અને એટ્રોસિટીનો ગુનો નોંધીને બે આરોપીની શોધખોળ શરૂ કરી

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તલાવડી ગામના જંગલમાં એક જ યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં બે પ્રેમીઓ વચ્ચે થયેલી તકરારમાં છોડાવવા પડેલા 16 વર્ષના કિશોરની હત્યાથી ચકચાર મચી ગઇ છે અને બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા હાલોલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હત્યાના આ બનાવમાં પાવાગઢ પોલીસે હત્યા અને એટ્રોસિટી સહિત કલમો અંતર્ગત ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ત્રણ મિત્રો જંગલમાં મહુડાના ઝાડ નીચે જઇને બેઠા હતા
હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલ ઘાટા ગામમાં રહેતો મહેશ સોમાભાઇ રાઠવાના મોબાઇલ પર આજે સવારે અમરાપુરા ગામના મિત્ર સંજય કંચન પરમારનો ફોન આવ્યો હતો કે, હું તારા ગામમાં આવું છું, તો આપણે રૂબરૂ મળીયે છીએ. જેથી બપોરે સંજય અને જયદેવ વિઠ્ઠલભાઇ પરમાર બાઇક લઇને આવ્યા હતા અને ત્રણેય બાઈક પર બેસીને તલાવડી ગામના સ્મશાન નજીક જંગલમાં મહુડાના ઝાડ નીચે જઇને બેઠા હતા.

બન્ને મિત્રો એક જ યુવતીને પ્રેમ કરતા હોવાથી બોલાચાલી થતાં યુવક પર હુમલો
દરમિયાન જયદેવે મહેશને કહ્યું હતું કે, હિતેન્દ્રને ફોન કરીને બોલાવ મારે તેનું કામ છે, તેમ કહેતા મહેશે હિતેન્દ્રને ફોન કર્યો હતો, જેથી હિતેન્દ્ર તેના મિત્ર દશરથને સાથે લઇને જગલમાં આવી પહોંચ્યો હતો. થોડો સમય પાંચેય મિત્રો વાતચીત કરી હતી. દરમિયાન જયદેવે હિતેન્દ્રને કીધું કે, ચાલ આપણે બે વચ્ચે વાત કરવાની છે, તેમ કહીને હિતેન્દ્રને થોડે દુર લઇને ગયો હતો, જ્યાં બન્ને મિત્રો એક જ યુવતીને પ્રેમ કરતા હોવાથી બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન હિતેન્દ્ર કઇ સમજે તે પહેલાં જ જયદેવે તેની સાથે લાવેલા ધારદાર ખંજર કાઢી હિતેન્દ્ર પર હુમલો કર્યો હતો.

હાલોલ રેફરલ હોસ્પિટલ(ફાઇલ તસવીર)
હાલોલ રેફરલ હોસ્પિટલ(ફાઇલ તસવીર)

ખંજર હાથથી પકડી લેતા યુવાનનો હાથ ચિરાઈ ગયો
હિતેન્દ્રએ બચાવ માટે બુમો પાડતા નજીકમાં બેઠેલા મહેશ, સંજય અને દશરથ દોડી આવ્યા હતા, જ્યાં મહેશ છોડાવવા માટે વચ્ચે પડતા સંજયે મહેશને પાછળથી પકડી લેતા જયદેવે ખજરનો વાર કર્યો હતો. જોકે, મહેશે ખંજર હાથથી પકડી લેતા તેનો હાથ ચિરાઈ ગયો હતો. પોતાની આંખો સમક્ષ ખેલાઇ રહેલ ખૂની ખેલ જોઇને 16 વર્ષીય દશરથ ગભરાઇ ગયો હતો, પણ તેને હિંમત ન હારીને મિત્રોને બચાવવા વચ્ચે પડ્યો હતો.

મિત્રને બચાવવા વચ્ચે પડેલા 16 વર્ષના કિશોરની હત્યા
ગંભીર રીતે ઘવાયેલા હિતેન્દ્ર અને મહેશ જીવ બચાવી ત્યાંથી ભાગી છૂટતા દશરથ હવે સમગ્ર ઘટના અંગે જાણ કરી દેશે, તેવી બીક વચ્ચે લોહીથી લથપથ હાલતમાં જીવ બચાવી ભાગી રહેલ દશરથને સંજય અને જયદેવે પકડીને સંજયે બે હાથ પકડી રાખતા જયદેવે બેરહેમીપૂર્વક દશરથ પર ખંજરના ઉપરાછાપરી ઘા ઝિંકી દેતા દશરથનું ઘટના સ્થળે જ પ્રાણપખેરૂ ઉડી ગયું હતું. જેથી બન્ને હત્યારા ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

બે યુવાનને હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા
બીજી તરફ હિતેન્દ્ર અને મહેશ જીવ બચાવીને રોડ પર આવીને 108 બોલાવી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા, જ્યાં હિતેન્દ્રની હાલત વધુ નાજુક હોવાથી તેને હાલોલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પાવાગઢ પોલીસે બનાવ અંગે હત્યારા જયદેવ વિઠ્ઠલ પરમાર અને સંજય કંચન પરમાર વિરૂદ્ધ હત્યા, હુમલો અને એટ્રોસિટીનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)