શહેરમાં દૂષિત પાણીની સમસ્યાએ માઝા મૂકી છે ત્યારે મોડા મોડા એક્શન માં આવેલા પાણી પુરવઠા વિભાગે એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારમાંથી 652 સેમ્પલ લીધા હતા અને તેમાં વાસણા રોડની અને ગોત્રી રોડની મળી કુલ બે સોસાયટીમાંથી લેવાયેલા 65 પૈકી 16 સેમ્પલ નાપાસ થયા હોવાનો ભાંડો ફૂટ્યો છે.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજનું પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી છે અને તેના કારણે પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. મ્યુ.કમિશનર શાલીની અગ્રવાલે સોમવાર થી દરેક ઝોનમાં 100 થી 150 પાણીના નમૂના પૃથ્થકરણ માટે લેવા આદેશ કર્યો હતો.જેથી,પૂર્વ ઝોનમાં 93, પશ્ચિમ ઝોનમાં 235, ઉત્તર ઝોનમાં 206 અને દક્ષિણ ઝોનમાંથી 122 સેમ્પલ પાણીના એક જ દિવસમાં લેવામાં આવ્યા હતાં.જેમાં વૉર્ડ ન.11 હેઠળના વિસ્તારોમાંથી 65 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને વાસણા રોડની જવાહર નગર અને ગોત્રી રોડની સંસ્કાર ટેનામેન્ટ સોસાયટી માંથી પાણીના 16 સેમ્પલ ફેઇલ હોવા હોવાનું પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટમાં ખૂલ્યું છે.
તાંદલજામાં 1 માસથી કાળા પાણીની ‘સજા’
તાંદલજાની મુતુર્ઝા પાર્ક, ઝમઝમ પાર્ક, આદિલ પાર્ક, શાહબાઝ પાર્ક સહિતના વિસ્તારમાં એક મહિનાથી ગંદુ પાણીઆવી રહ્યું છે અને તેના કારણે ઝાડા-ઊલટીનો રોગચાળો વકર્યો છે. અહીં પાલિકાના કેમ્પમાં એક જ દિવસમાં તાવના 22, ઝાડાના 8 અને શરદી ખાંસીના 54 દર્દી મળી આવ્યા હતા.જયારે પાણી પુરવઠા વિભાગે સમસ્યા ઉકેલાઇ ગઇ હોવાનો દાવો કર્યો છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.