નોટિસ:શહેરમાં 1,533 જોખમી ઇમારતો, શાળા સહિત 3 સરકારી બિલ્ડિંગને પણ નોટિસ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલિક-ભાડુઆતના કેસો વચ્ચે ખખડધજ ઇમારતોનું સમારકામ અટવાતાં હજારોને જીવનું જોખમ
  • તરસાલીના હિંમતનગરના 456 બ્લોક પણ જર્જરિત

ચોમાસામાં શહેરની સંખ્યાબંધ જર્જરિત ઇમારતોમાં રહેતા રહીશો ઉપરાંત આવી ઇમારતો નજીકથી પસાર થતાં લોકોની સલામતી પણ જોખમાય છે. પાલિકાએ 1,533 ઇમારતો ભયજનક જાહેર કરી છે, જે પૈકી 3 તો સરકારી ઇમારતો છે. જેમાં ચોખંડીની ફાઇલેરિયાની ઓફિસની ઇમારત જેમાં 10 દુકાનો ધમધમે છે. લાલ અખાડા વિસ્તારમાં આવેલી પીડબલ્યુડીની બિલ્ડિંગ અને વીર નર્મદ સ્કૂલ જેે બંધ કરાઈ છે. બીજી તરફ તરસાલીના હિંમતનગરના 456 બ્લોક પણ જર્જરિત જાહેર કરાયા છે. આ બ્લોકમાં ગરીબ અને મધ્યમવર્ગના એક હજારથી વધુ લોકોનો મજબૂરીમાં હજી વસવાટ છે.

તેને પાલિકાએ હાઉસિંગ બોર્ડને સ્લમ ક્લીયરિંગ પીપીપી મોડેલ અંતર્ગત કામગીરી કરવાનો પત્ર લખીને જવાબદારી પૂરી કર્યાનો સંતોષ મેળવી લીધો છે. વડોદરામાં સૌથી વધુ જર્જરિત મકાનો પૂર્વ ઝોનમાં છે, જ્યારે સૌથી ઓછા જર્જરિત મકાનો સૌથી મોટા નોર્થ ઝોનમાં છે. નોર્થ ઝોનના અધિકારી ધાર્મિક દવેના જણાવ્યા મુજબ ફાઇલેરિયા વિભાગની ઓફિસની ઇમારતની દુકાનો 99 વર્ષના ભાડાપટ્ટે છે. જેથી મંજૂરીથી દુકાનદારો રિપેરિંગ કરાવી શકે છે. શહેરમાં સંખ્યાબંધ ટ્રસ્ટ અને ધાર્મિક બાંધકામોને પણ નોટિસ આપવામાં આવી છે.

વિવિધ વિસ્તારની કેટલીક જર્જરિત ઇમારત

  • ઉત્તર ઝોન : 82
  • રૂપમ સિનેમા પાસે શ્રીજી એપાર્ટમેન્ટ, અમરદીપ ફ્લેટ, કારેલીબાગ કપિલા કુંજ, જલારામ કોમ્પ્લેક્સ
  • પશ્ચિમ : 120
  • જેતલપુર સ્લમ ક્વાર્ટર્સના 30 ફ્લેટ, આરાધના ફ્લેટ, નવીનગરીના 41 મકાન, સુદામાનગર 10 મકાન, નીલગીરી ફ્લેટ સનફાર્મા રોડ 15 ઘર
  • પૂર્વ ઝોન : 735 - સયાજીપુરા હા.બોર્ડના ઇ બ્લોકના 27 અને એલ બ્લોકના 20 મકાનો, ખોડિયારનગર વ્રજધામ કોમ્પ્લેક્સ 28 દુકાનો-35 ફ્લેટ્સ, મેઘદૂત એપાર્ટમેન્ટ16 દુકાન, લાડભવન, આજવા રોડ સહિતનાં વિસ્તારોના મકાનોનો સમાવેશ થાય છે.
  • દક્ષિણ ઝોન : 496 - દરબાદ ચોકડી વિસ્તારમાં નિર્માણ ફ્લેટ, રંગોત્સવ ફલેટ, પ્રભુતા એપાર્ટમેન્ટ, મકરપુરા ગામ દેરાસર, તરસાલી હિંમતનગર હાઉસિંગ બોર્ડના મકાનો.

પાલિકા જોખમી ઇમારતોને કેમ ખાલી નથી કરાવી શકતી ?
પાલિકાના અધિકારીઓ કહે છે કે, મોટાભાગની જોખમી ઇમારતોના કિસ્સામાં કોર્ટ કેસ ચાલતા હોય છે. રહીશોનો પણ ખાલી કરવાનો વિરોધ હોય છે. આવી ઇમારતોના વીજળી,પાણીના જોડાણ કટોકટીની સિવાય કટ કરી શકાતા નથી.

રિનોવેશન કરાવ્યું, છતાં ઇમારત જોખમી
પાણીગેટ સોનાલિકા એપોર્ટમેન્ટ 2019માં ભયજનક જાહેર કરાયું હતું. તેના રહીશોએ ભેગા થઇને 8 લાખના ખર્ચે બિલ્ડિંગનું રિનોવેશન કરાવ્યું છે. આ ઇમારતના રહીશોના જણાવ્યા મુજબ પાલિકાએ ઇમારતને જોખમીની યાદીમાંથી બહાર કાઢી નથી. પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર પરેશ પટેલ કહે છે કે, જ્યાં સુધી રહીશો કે માલિક માન્યતા પ્રાપ્ત સ્ટ્રકચર એન્જિનિયરનું સર્ટિફિકેટ રજૂ ન કરે તે ત્યાં સુધી તેને જોખમી મનાય છે.’

અન્ય સમાચારો પણ છે...